Site icon Revoi.in

વીજચોરીનું હબ બન્યું રાજકોટ, છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયા 16.60 કરોડની વીજચોરી પકડાઈ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું દુષણ વધતુ જાય છે. અસામાન્ય લાઈન લોસ રહેતો હોવાથી વીજ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવે છે. રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ સોમવારે ફરી PGVCL દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સોમવારે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ 3 ડિવિઝન હેઠળ આવતા વાવડી, ખોખળદળ, માધાપર અને રૈયારોડ સબ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 46 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજચોરી રાજકોટમાં થતી હોવાથી PGVCL માટે વીજચોરીમાં રાજકોટ માથાના દુખાવા સમાન સાબિત થયું છે. છેલ્લા 3 મહિના દરમિયાન PGVCL દ્વારા સૌરાષ્ટ્રમાં કુલ 73.64 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં સૌથી વધુ 1660.51 લાખની વીજચોરી રાજકોટમાંથી ઝડપી પાડવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિક એકમ બાદ સોમવારે ફરી શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સોમવારે  રાજકોટ શહેરમાં વાવડી, ખોખળદળ, માધાપર અને રૈયા રોડ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોમવારે વહેલી સવારથી અલગ અલગ 46 ટીમ દ્વારા રસુલપરા, રામનગર, સોમનાથ સોસાયટી, મહમદીનગર, કૈલાશ પાર્ક, શિવધારા પાર્ક સહિત 25 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં 11 KVના 5 ફીડર આવરી લેવામાં આવ્યા હતા.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણના કારણે ચાલુ માસ દરમિયાન વીજ ચેકિંગ થયું નહોતું. ત્યારે આજે 20 દિવસ બાદ ફરી શહેરમાં વીજ ચેકિંગની સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ માસ દરમિયાન PGVCL દ્વારા રાજકોટ રૂરલ સર્કલ ઓફિસ હેઠળ ગોંડલ ડિવિઝન ઓફિસ દ્વારા જુદા જુદા ઔદ્યોગિક અને કોમર્શિયલ વીજ જોડાણોની ચકાસણી કરતાં ચેકિંગ દરમિયાન ફક્ત બે જ કારખાનામાંથી રૂ.118 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. PGVCL દ્વારા જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન 83,221 વીજ જોડાણની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 10,127 કનેક્શનમાં 28.26 કરોડની ગેરરીતિ ઝડપાઇ છે. જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 1293 ક્નેક્શનમાંથી 390.57 લાખ અને રાજકોટ ગ્રામ્યમાં 1057 ક્નેક્શનમાંથી 326.22 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.