રાજકોટ: તહેવારના સમયે પ્રાણી સંગ્રહાલયમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે RMCનો મોટો નિર્ણય
રાજકોટ: તહેવારના સમયમાં ફરવા માટે અનેક લોકો નવા નવા શહેરોમાં જતા હોય છે અને લોકોને આશા પણ હોય છે કે જ્યારે તેઓ ફરવા જાય ત્યારે તેમને કોઈ જગ્યા ન ફરવાનો અફસોસ ન થાય, હવે આ માટે રાજકોટ શહેરના મેયર ડૉ . પ્રદિપ ડવ , સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ , મ્યુનિ . કમિશનર અમિત અરોરા તથા ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે આમ તો નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે પણ ચાલુ વર્ષે દિવાળી તહેવારો દરમિયાન શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને બહારગામથી આવતા મુલાકાતીઓ દિવાળીના દિવસો દરમિયાન પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા .૨૮/૧૦/૨૦૨૨, શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બન્યું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે દિવાળી થી લાભપાંચમ સુધીમાં અંદાજિત ૬૦,૦૦૦ મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે પધારતા હોય છે.
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૯ પ્રજાતિઓનાં કુલ ૫૨૦ વન્યપ્રાણી પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે . જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ . સફેદ વાઘ , રોયલ બેંગાલ ટાઇગર , દિપડા , હિમાલયનાં રીંછ , સ્લોથ રીંછ , જળ બિલાડી , ચાર પ્રકારનાં ધાનકુળનાં પ્રાણીઓ , ચાર પ્રકારનાં વાંદરાઓ , વિવિધ પ્રજાતીઓનાં સાપ , બે પ્રકારની મગર , જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે . આ ઉપરાંત મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતી મળી રહે અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઇન્ટરપ્રિટેશન સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે . જેમાં વિવિધ ગેલેરીઓ જેવી કે ; પ્રાણીસંગ્રહાલય ગેલેરી , ગીરની ઝાંખી , કચ્છની ઝાંખી , સસ્તન પ્રાણીઓની ગેલેરી , પક્ષી ગેલેરી , સરિસૃપ ગેલેરી વિગેરે બનાવી વન્યપ્રાણી – પક્ષીઓનાં લાઇફ સાઇઝ મોડેલ્સ , ઇન્ટરેક્ટીવ એક્ટીવીટી તથા વિવિધ માહિતી દર્શાવતી પેનલ્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે . જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે .