રાજકોટઃ ભારતીય અર્થતંત્રને તોડી પાડવા માટે દેશ વિરોધી તત્વો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રાજકોટમાંથી નકલી નોટો છાપવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને બે મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી લીધા હતા. જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં એક વ્યક્તિને બોગસ નોટો સાથે ઝડપી લીધો હતો. તેની તપાસમાં રાજકોટના શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે તપાસ આરંભીને આરોપીઓને રાજકોટમાંથી ઝડપી લીધા હતા. તેમજ ડુપ્લિકેટ નોટ છપાવાના સાધનો અને 2.38 લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાંથી પોલીસે રાજકોટના એક શખ્સને 500ના દરની ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી લીધો હતો. તેની તપાસમાં રાજકોટના કેટલાક શખ્સોની સંડોવણી ખુલી હતી. તેમજ એક મહિલના ઘરમાં બોગસ નોટો છાપવામાં આવતી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે રાજકોટમાં સુશીલા ઉર્ફે સુશી રાઠોડ નામની મહિલાના ઘરે છાપો માર્યો હતો. પોલીસની તપાસમાં 500ના દરની ડુપ્લિકેટ નોટ છાપવાના સાધનો જેમાં ઝેરોક્ષ મશીન, સ્ટેબીલાઈઝર, કોરા કાગળો 757 નંગ, તેમજ 500 ના દરની 2.38 લાખની ડુપ્લિકેટ, કટર મશીન સહિત 2.99 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે નરેન્દ્રની સાથે સુશીલા રાઠોડ, પારુલ ચૌહાણ અને ભાવેશ ઉર્ફે ભૂવો મકવાણાની ધરપકડ કરી હતી. આ કેસમાં નીતિન પટેલ અને ભીખુ ઉર્ફે આદિત્ય રામજી રાઠોડની સંડોવણી ખુલી છે. જેથી પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.