Site icon Revoi.in

રાજકોટનો તોડકાંડ, ડીજીપી વિકાસ સહાય આજે ગૃહ વિભાગને પ્રાથમિક રિપોર્ટ સોંપશે

Social Share

રાજકોટઃ શહેરના ચર્ચાસ્પદ બનેલા તોડકાંડને મામલે ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ આ મામલે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળની કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. રાજકોટના પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને પીએસઆઇ સામે રૂ.75 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયા બાદ આ મામલે તપાસ ચલાવી રહેલી કમિટી સમક્ષ ગુરુવારે ગાંધીનગરમાં કમિશનર મનોજ અગ્રવાલ હાજર થયા હતા અને ડી.જી. વિકાસ સહાયે સતત ત્રણ કલાક સુધી પ્રશ્નોની ઝડી વરસાવી હતી, બીજીબાજુ ગાંધીનગરથી એક ટીમ રાજકોટ દોડી આવી હતી અને વધુ એક વખત ભોગ બનનારા સખિયા બંધુ અને ડોક્ટર તેજસ કરમટા સહિતના નિવેદનો નોંધી કેટલાક પુરાવા કબજે કર્યા હતા. DGP સહાયનો પ્રાથમિક રિપોર્ટ ગૃહ વિભાગને આજે સોંપવામાં આવે તેવી શક્યતા છે. કમિટી તપાસ તથ્યોને ઉજાગર કરશે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સામે લાખો રૂપિયાનો તોડ કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લેટરબોમ્બ ફોડ્યા બાદ ગૃહવિભાગે આ મામલે એડિશનલ ડી.જી.વિકાસ સહાયને તપાસ સોંપી હતી અને તાકીદે રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો, ગુરુવારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ગાંધીનગર (કરાઇ ટ્રેનિંગ સેન્ટર) ખાતે પહોંચ્યા હતા, કમિશનર અગ્રવાલ ટ્રેનિંગ સેન્ટરમાં પહોંચતા જ તેના ગેટ બંધ કરી દેવાયા હતા અને બંધબારણે તેમની પૂછપરછ શરૂ થઇ હતી, એડિશનલ ડી.જી. વિકાસ સહાયે કમિશનબાજી અને રૂ.75 લાખના તોડ અંગે અગ્રવાલને અનેક સવાલો કર્યા હતા, એટલું જ નહીં ભોગ બનનારે આપેલા નિવેદનો અને રજૂ કરેલા પુરાવા બાબતે વિકાસ સહાયે કમિશનર અગ્રવાલ પર પ્રશ્નોની ઝડી વરસાવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું, બુધવારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ સાખરાની ગાંધીનગરમાં તપાસ સમિતિએ પૂછપરછ કરી હતી.

બીજીબાજુથી તપાસ સમિતિના સભ્ય એસ.પી. હરેશ દુધાત સહિતની ટીમ રાજકોટ સીઆઇડી ક્રાઇમની ઓફિસે આવી પહોંચી હતી આ ટીમે ફરીથી મહેશ સખિયા, જગજીવન સખિયા, કિશન સખિયા, અને ડો.તેજશ કરમટાના નિવેદનો નોંધ્યા હતા. રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ ગઢવી અને પીએસઆઇ સાખરા સામે ગંભીર આક્ષેપો કરીને રાજ્યભરમાં ચકચાર જગાવનારા જગજીવન  સખિયાએ વધુ એક ધડાકો કર્યો હતો, પોલીસ કમિશનર કચેરીમાં જ તેમણે એક વખત રૂ.50 લાખ અને બીજી વખત રૂ.25 લાખ આપ્યા હતા, અને સખિયાએ આ સમગ્ર વાત તપાસ સમિતિને પણ કહી હતી. હવે ડીજીપી વિકાસ સહાય તપાસનો પ્રાથમિક રિપોર્ટ આજે ગૃહ વિભાગને સોંપે તેવી શક્યતા છે.