રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. તેના લીધે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી પાછી ઠેલાવાની શક્યતા છે. અગાઉ રાજકોટ ચેમ્બરની ચૂંટણી તા. 13 ફેબ્રુઆરીના રોજ જાહેર થઈ હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી 15 દિવસ પાછી ઠેલાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. જો ચૂંટણી 15 દિવસ પાછી ઠેલાશે તો ફેબ્રુઆરીના બદલે માર્ચમાં ચૂંટણી થશે. ફેબ્રુઆરીમાં ચૂંટણી એજન્ડા જાહેર થશે. ચૂંટણી સમયે કોરોનાના કેસ વધુ હશે તો ઓનલાઈન ચૂંટણી પણ થઈ શકે છે.
આ અંગે વધુ માહિતી આપતા ઇલેક્શન કમિટીના ચેરમેન હિતેશભાઈ બગડાઈએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આ વખતે ચૂંટણી ઓનલાઈન થાય એ માટેના પ્રયાસો ચાલુ છે.તેમજ કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે લોકોના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટણી 15 દિવસ મોડી થઈ શકે છે. જોકે આ વખતની ચૂંટણી ઓનલાઈન થાય એ માટેના પૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં નવા અને જૂના ચહેરા બંને સાથે જોવા મળશે. ગત વખતે બે પેનલ વચ્ચે ગળાકાપ હરિફાઈ હતી પરંતુ આ વખતની ચૂંટણી બિનહરીફ થાય તો પણ નવાઈ નહિ. ચેમ્બરની ચૂંટણી કેવી રીતે અને ક્યારે કરવી તે અંગે ઇલેક્શન કમિટીની બેઠક આગામી દિવસોમાં મળશે અને તેમાં નિર્ણય લેવાશે. જો ચૂંટણી યોજવી પડશે તો ઓનલાઈન મતદાન થાય એવા પ્રયત્નો કરાશે. ચેમ્બરના મતદારો પણ ઓનલાઈન ચૂંટણી થાય તેવો મત ધરાવે છે.