રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો દારૂકાંડ, મહિલા PSI સહિત 3 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં
રાજકોટઃ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ફરીવાર તોડકાંડમાં વિવાદમાં આવી છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ આચરવામાં આવેલા ‘તોડકાંડ’ના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ક્રાઇમ બ્રાન્ચે હવે ‘દારૂકાંડ’માં વિવાદમાં આવી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચના કેટલાક પોલીસ કર્મચારીઓ શહેરથી 80 કિ.મી દુર આવેલા સાયલા વિસ્તારમાં હાઈવે પર દારૂ ભરેલી ટ્રકનું અપહરણ કરતા પકડાયા હતા. આથી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક દારૂ ભરેલ ટ્રક અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયા બાદ રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા PSI સહિત ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં 394 પેટી વિદેશી દારૂ ભરેલી ટ્રકના ચાલકનું દારૂ ભરેલી ટ્રક સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ અપહરણ કરી લઇ જતા સ્ટેટ મોનીટરીંગ સેલના હાથે ઝડપાયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલ મળી ચાર સામે અપહરણની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. જેનાથી ફરી એક વખત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની છબી ખરડાઇ છે. રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચના વિવાદિત મહિલા PSI ભાવના કડછા સહિત ચાર પોલીસ કર્મી દેવા ધરજીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા , ક્રિપાલસિંહ જાડેજા અને સુભાષ ઘોઘારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ અગાઉ પણ વિવાદમાં આવી હતી. રૂપિયા 75 લાખના કથિત તોડકાંડની તપાસ બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસનીશ અધિકારી વિકાસ સહાયના રિપોર્ટના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ પીએસઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જયારે તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સજા રૂપે બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચના વિવાદ બાદ રાજ્ય સરકારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અને તમામ પીએસઆઈની જિલ્લા બહાર બદલી કરી હતી પરંતુ નવા મુકેલા મહિલા પીએસઆઇ પણ ક્રાઇમ બ્રાન્ચની છાપ સુધારવા બદલે બગાડી હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પર થયેલા આક્ષેપ બાદ તમામ કોન્સ્ટેબલ યથાવત રાખવામાં આવ્યા છે જેમાં પીઆઇ પીએસઆઈ સાથે કોન્સ્ટેબલ ની પણ આંતરીક બદલી કરી સંપૂર્ણ ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન કરવા જરૂરિયાત હતી તેવું આજની આ ઘટના પરથી લાગી રહ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પીએસઆઇ ભાવના કડછા સામે ફરિયાદ દાખલ થવા પામી નથી પરંતુ તેમની પણ આ કેસમાં પુછપરછ જરૂરથી કરવામાં આવી હતી. ભાવના કડછા અગાઉ પણ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ સમયે વિવાદમાં આવી ચુક્યા છે જેના કારણે તેમની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી હતી અને બાદમાં થોડો સમય કંટ્રોલ રૂમમાં પણ બદલી કરાઈ હતી ત્યારે સવાલ એ છે કે ક્રાઇમ બ્રાન્ચની ઇમેજ સુધારવા માટે શા માટે સારા અધિકારીની નિમણુંક મંજુર કરવામાં ન આવી અને શા માટે અગાઉ વિવાદમાં આવેલા મહિલા પીએસઆઇને ક્રાઇમ બ્રાન્ચમાં મુકવામાં આવ્યા શું તેમને કોઇ રાજકીય પીઠબળ છે કે કેમ તે પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.