- રાજકોટમાં ઠેર-ઠેર લગાવાયા પોસ્ટર
- સનાતન સ્વરાજના નામે લગાવાયા પોસ્ટર
- આ નિર્ણયનો વિવિધ હિન્દુ સંગઠનોએ કર્યું સ્વાગત
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતા ધાર્મિક સ્થળો ઉપર ટુંકા વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં 100થી વધારે મંદિરોમાં ટુંકા વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવવા ઉપર પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના વિવિધ મંદિરમાં ટુંકા વસ્ત્રો ઉપર પ્રતિબંધને ઠેર-ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. સનાતન સ્વરાજના નામે લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, મંદિર પરિસરમાં કેપ્રી, બરમુંડા, ફાટેલા જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડાં પહેરીને આવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટીઓનું કહેવું છે કે મંદિરની ગરિમા અને સંસ્કૃતિ જળવાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં મંદિરોમાં ટુંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ઉપર પ્રતિબંધને વિવિધ હિન્દુ સંગઠનોએ આવકાર્યો છે. તેમજ તેમણે પણ શ્રદ્ધાળુઓને ટુંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં દર્શન કરવા નહીં જવા માટે અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને અંબાજી સહિતના મંદિરોમાં પણ ટુંકા વસ્ત્રો પહેલીને દર્શન નહીં કરવા માટે ભક્તોને અપીલ કરવામાં આવી હતી. દ્વારકાના જગત મંદિરમાં વ્યવસ્થાપન સમિતિએ ધર્મ અને સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા માટે ભક્તોને અપીલ કરી છે.દ્વારકાના જગત મંદિરમાં ઠેર-ઠેર ભક્તો સંસ્કૃતિને અનુરૂપ કપડા પહેરે તેવા બોર્ડ લગાવીને સૂચના આપવામાં આવી છે.