- ટેકાના ભાવે તુવેર, ચણા,રાયડાની ખરીદી શરૂ
- દરરોજ 20 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે
- ખરીદી કેન્દ્ર ખાતે આગેવાનો-હોદ્દેદારો રહ્યા હાજર
રાજકોટ: ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. ગુજકોમાસોલ ગાંધીનગર દ્વારા ઉપલેટા સેવા સહકારી મંડળી લિમિટેડને ખરીદી કેન્દ્ર આપવામાં આવ્યું છે, જેમાં તુવેર ખરીફ – 21 પાકના ₹6300 , ચણા રવિ – 22 પાકના ₹5230 અને રાયડા રવિ – 22 પાકના ₹5050 કવીન્ટલના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
તુવેરમાં 547 ખેડૂતોના રજિસ્ટ્રેશન થયા છે, ચણામાં 5500 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે જ્યારે રાયડામાં હજુ સુધી ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું નથી. દરરોજ 20 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને એક ખેડૂત પાસેથી દરરોજ વધુમાં વધુ 2500 કિલો જણસીની ખરીદી કરવામાં આવે છે.
જો કોઈ ખેડૂત પાસે વધારે માલ હોય તો બીજે દિવસે તે લઈને આવી શકે છે. ટેકાના ભાવે જણસીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. આ ખરીદી કેન્દ્ર ખાતે માર્કેટીંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, કિસાન મોરચા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.