રાજકોટનો અગ્નિકાંડ, મૃતકના સ્વજનોના બ્લડ સેમ્પલ લેવાયા, DNA મેચ થશે, તેને મૃતદેહ સોંપાશે
રાજકોટઃ શહેરનો અગ્નિકાંડ કઠણ હ્રદયના માનવીને હચમચાવી મુકે તેવો છે. ટીઆરપી ગેમ ઝોનમાં આગને લીધે મૃત્યુંઆંક 32 પર પહોંચ્યો છે. મૃતદેહો એટલી હદે સલગી ગયા હતા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. ત્યારે મૃતદોહાની ઓળખ માટે તેમના સ્વજનોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ મેચ થયા બાદ મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવશે.
ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં ભડથું થઇ ગયેલા મૃતકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રીના સવા બાર વાગ્યા સુધીમાં 28 મૃતદેહ હોસ્પિટલે પહોંચ્યા હતા. ગેમ ઝોનમાં ગયેલા સ્વજન લાપતા થતાં તેના મૃત્યુ થયાની શંકાએ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. લાપતા થયેલા વ્યક્તિના સ્વજન પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચતા હતા પરંતુ મૃતદેહ એટલી હદે સળગી ગયા હતા કે, 28માંથી એકપણ લાશનો ચહેરો ઓળખી શકાય એવો નહતો. આથી મૃતકોની ઓળખ મેળવવા માટે તંત્રએ તમામ મૃતકના ડીએનએ ટેસ્ટનો નિર્ણય કર્યો હતો. તમામ મૃતદેહોને નંબર આપવામાં આવ્યા હતા અને તમામ મૃતદેહમાંથી લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જે વ્યક્તિની શોધમાં તેના પરિવારજનો આવ્યા હોય તેમને સમજાવીને તેમના લોહીના સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે લેવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલના સત્તાધિશોએ જણાવ્યું હતું કે, મૃતકના માતા-પિતા, ભાઇ બહેન અથવા સંતાનોના પૈકી કોઇપણ બે વ્યક્તિના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ મૃતદેહો અને તેમના સ્વજનોના લોહીના સેમ્પલ લઇને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. ત્રણેક દિવસમાં ડીએનએ રિપોર્ટ આવશે. જે નંબરની લાશ સાથે જે જીવિત વ્યક્તિના લોહીના સેમ્પલ મેચ થયા હશે તે જીવિત વ્યક્તિને તે મૃતદેહની ત્રણ દિવસ પછી સોંપણી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડરૂમમાં 10 મૃતદેહ સાચવવાની ક્ષમતા હોય અન્ય 18 મૃતદેહ એઇમ્સ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપવામાં આવ્યા હતા. પી.એમ. માટે જરૂરી પંચનામાની કામગીરી અર્થે ગ્રામ્ય પોલીસ પી.આઈ. ત્રાજિયાની આગેવાનીમાં 10થી વધુ પોલીસની ટીમ ખડેપગે કામગીરી કરી રહી છે.