રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવમાં મૃત્યુઆંક 32 પહોચ્યો છે. તંત્ર તેમજ ટીઆરપી ગેમના સંચાલકોની ઘોર બેદરકારીથી નવ બાળકો સહિત 32 જણાનો ભોગ લેવાયો છે. કહેવાય છે. કે, ગેમ ઝોનના સંચાલકોએ મ્યુનિ.કોર્પોરેશનની મંજુરી ન લેવી પડે તે માટે રાઈડ માટેનું સર્ટી. લઈને ગેમઝોન શરૂ કરી દેવામાં આવ્યો હતો. ટીઆરપી ગેમ ઝોન જે સ્થળ પર છે તે ફક્ત ખુલ્લો પ્લોટ હતો. ગેમ ઝોન માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી દીધું હતું
પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે. કે, ગેમઝોનના પ્લોટના માલિક ગિરિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ યુવરાજસિંહ અને પ્રકાશ રાઠોડ નામના શખસોને પ્લોટ ભાડે આપ્યો હતો. જો આ પ્લોટ પર કોઇ બાંધકામ કરવામાં આવે તો તેની મંજૂરી ટી.પી. શાખામાંથી લેવી પડે તેમજ પ્લાન મૂકવો પડે જે જમીન માલિક જ કરી શકે આ ઉપરાંત ત્યારબાદ નવું કંઈ પણ કરવું હોય તો ફરીથી મંજૂરી લેવી પડે. આવી કડાકૂટમાં ન પડવું પડે તે માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવાનો કીમિયો કરાયો હતો. પાકું બાંધકામ ન કરવાનું હોય અને ફક્ત અમુક સમય પૂરતું જ કામ લેવાનું હોય તો તેવા શેડ માટે મ્યુનિ.કોર્પોરેશનની મંજૂરી જરૂરી નથી.આવા શેડ ધાર્મિક કાર્યક્રમો, એક્સ્પો તેમજ મેળાઓમાં ઊભા કરાતા હોય છે. ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે ગેમ ઝોન બની ગયો પણ હવે ત્યાં ગ્રાહકોને લાવવા હોય તો એકાદ તંત્રની મંજૂરી તો લેવી જ પડે. જો મ્યુનિ.કોર્પોરેશનમાં જાય તો તેમને એ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં પણ ફાયર એનઓસી ફરજિયાત લગાવવી પડે. જેથી તેના બીજા રસ્તા તરીકે માર્ગ અને મકાન વિભાગની મિકેનિકલ બ્રાન્ચમાં રાઈડની મંજૂરીની અરજી કરાઈ હતી. વિભાગના ઈજનેરોએ સ્થળ પર અલગ અલગ પ્રકારના ગેમ ઝોનના ઈક્વિપમેન્ટના સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપી દીધા હતા. આવા સર્ટિફિકેટ જન્માષ્ટમીના મેળાઓમાં અપાય છે. જેના અધારે પોલીસ એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મંજૂરી આપે છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન પાસે કોઇ રેકર્ડ પર આ ગેમ ઝોન હતો જ નહીં સ્ટેબિલિટી સર્ટિફિકેટ આવી ગયા બાદ સંચાલકો સીધા જ પોલીસ પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી મેળાની કેટેગરીમાં એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મંજૂરી લીધી હતી. આ મંજૂરી આવ્યા બાદ ગેમ ઝોન શરૂ કર્યો અને ત્યારબાદ ધીરે ધીરે બાંધકામ વધારતા ગયા. ટી.પી અને ફાયરની કોઇ કાર્યવાહી કરી ન હતી એટલે મ્યુનિ.ના કોઇ રેકર્ડ પર આ ગેમ ઝોન હતો જ નહીં એટલે ત્યારબાદ તો ગેરકાયદે પાકા બાંધકામ પણ કરી દેવાયા હતા. જોકે આરએમસી પગલાં લઈ શકી હોત પણ મ્યુનિ,ના અધિકારીઓ પણ લાપરવાહ રહ્યા હતા. ટી.પી અને ફાયરની કોઇ કાર્યવાહી કરી ન હતી એટલે મ્યુનિ, પાસે કોઇ રેકર્ડ પર આ ગેમ ઝોન હતો જ નહીં એટલે ત્યારબાદ તો ગેરકાયદે પાકા બાંધકામ પણ કરી દેવાયા હતા.