Site icon Revoi.in

રાજકોટ: ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક થઈ,વાહનોની અંદાજે 7 થી 8 કી.મી સુધીની લાંબી લાઈનો જોવા મળી

Social Share

રાજકોટ: ગુજરાતના મોટા માર્કેટીંગ યાર્ડમાંનું એક ગણવામાં આવતું અને સૌરાષ્ટ્રનું અગ્રીમ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર રેકોર્ડ બ્રેક મગફળીની આવક થઈ છે. મબલખ પાકથી આ વર્ષે ખેડૂતોએ ગોંડલ યાર્ડને ભરચક ભરી દીધું હતું. મગફળીની ભરપૂર આવકથી યાર્ડની બહાર બંને બાજુ 3000થી 3500 જેટલા વાહનોની અંદાજે 7 થી 8 કી.મી સુધીની લાંબી લાઈનો જોવા મળી.

આવામાં જો વાત કરવામાં આવે સંપૂર્ણ આવકની તો યાર્ડમાં આશરે સવા બે થી અઢી લાખ ગુણી મગફળીની આવક થઈ છે.

માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રભરના ખેડૂતોનું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવાનું કારણ એ છે કે ખેડૂતોને સૌથી ઉંચા ભાવ મગફળીના મળી રહ્યા છે. મગફળીની હરરાજીમાં મગફળીના 20 કિલોના 1100થી 1450 સુધીના ભાવ બોલાયા હતા.

રાજકોટ, જામનગર, જૂનાગઢ, સોમનાથ વેરાવળ, દ્વારકા, અમરેલી, પોરબંદર, સહિતના જિલ્લામાંથી ખેડૂતો મગફળી લઈને ગોંડલ માર્કેટયાર્ડમાં આવે છે. દિવાળીના તહેવારમાં ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. મગફળીની રેકોર્ડબ્રેક આવકને લઈને માર્કેટિંગ યાર્ડના 3 ડુમ , 8 શેડ તદ્ઉપરાંત નવી લીધેલી જમીનમાં 20થી 25 વિઘામાં તેમજ કપાસ વિભાગ આખો મગફળીની આવકથી ભરચક ભરાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મગફળીની આવક સારા પ્રમાણમાં થતા તહેવારોના સમયમાં સીંગતેલના ભાવમાં વધારો ન થાય તેવી લોકો આશા રાખી રહ્યા છે, પેટ્રોલ-ડીઝલના ભાવથી લોકોને થોડી તકલીફ પડી રહી છે પરંતુ તહેવારના સમયમાં ખાવા પીવાની વસ્તુઓમાં વધારો ન થાય તેવી લોકો આશાઓ રાખી રહ્યા છે.