રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. પણ કોરોના બાદ હવે મ્યુકર માયકોસિસની બીમારીએ આરોગ્ય તંત્રને ચિંતામાં મુકી દીધુ છે. કોરોના કરતાં પણ ભયંકર અને જીવલેણ રોગ મ્યૂકર માયકોસિસના કેસ સૌથી વધુ રાજકોટમાં નોંધાઈ રહ્યા છે. આખા ગુજરાતમાં રાજકોટમાં મ્યૂકર માયકોસિસના કેસ સૌથી વધુ છે.
રાજકોટ સિવિલ ખાતે મ્યુકર માયકોસિસના 200થી વધુ દર્દી નોંધાઈ ચૂકયા છે. જે અમદાવાદ, વડોદરા, સુરત કરતા વધારે સંખ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા સિવિલમાં 500 બેડની વ્યવસ્થા કરવા પોસ્ટ કોવિડ દર્દીઓને કેન્સર હોસ્પિટલમાં જ્યારે ત્યાંના દર્દીઓને સમરસમાં ખસેડવાનું વિચારવામાં આવ્યું છે. કારણ કે મ્યૂકર માયકોસિસના રોગમાં દર્દીઓને દોઢ મહિનો હોસ્પિટલમાં રાખવા પડે છે.
કોરોનાની બીજી લહેરમાં સંક્રમણથી રિકવર થતા દર્દીમાં આ રોગનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મ્યૂકર માયકોસિસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. ચિંતા તો એ વાતની છે કે આ રોગના કારણે દર્દીઓ જીવ પણ ગુમાવવા લાગ્યા છે. તેવામાં રાજકોટમાં કોરોનાના દર્દીઓ અગાઉ જેમ રેમડેસીવીર માટે રઝળતા હતા એવી જ સ્થિતિ હવે મ્યૂકરના ઈન્જેકશન માટે થઈ રહી છે.
દવાની દુકાનોમાં આ ઈન્જેકશન મળતા નથી અને મ્યુકરમાઈકોસિસથી લોકોની હાલત ગંભીર બની રહી છે. કોરોના દર્દીઓને સ્ટીરોઈડ આપવાથી મ્યુકરના ફંગર ફેલાય છે અને કોરોના દર્દીઓની સારવારમાં સ્ટીરોઈડ જ પ્રાથમિક ઈલાજ છે. હાલ મ્યુકરના દર્દીઓના ઈલાજ માટે એકમાત્ર લાયકોસોમલ નામની દવા છે . આ ઉપરાંત જે નેશનલ ગાઈડલાઈન બનાવવામાં આવી છે તે અનુસાર સારવાર શરુ કરવામાં આવે છે.