- મેળો પૂરો થતા ઠેર ઠેર ગંદકીના ગંજ
- રોગચાળો વકરવાની ભીતિ
- મનપાએ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી
રાજકોટ:સોરાષ્ટ્રનો સૌથી મોટો મેળો લોકમેળો રાજકોટ શહેરનાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.આઝાદી કા અમૃત લોકમેળો રાંધણ છઠ્ઠથી શરૂ થઈ અગિયારના દિવસે સંપન્ન થયો હતો.છેલ્લા 6 દિવસમાં અંદાજીત 14 લાખ કરતા વધુ લોકોએ આ મેળાની મજા માણી હતી.
જોકે,આ મેળો પૂર્ણ થતા ઠેર ઠેર હાલ રેસકોર્સ મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ડસ્ટબીન સહિતની વ્યવસ્થાઓ હોવા છતાં લોકો અને તંત્રની બેદરકારીથી ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે.આ ગંદકીને કારણે રોગચાળો ફેલાઈ શકે છે.જોકે,રોગચાળો ન વકરે તે માટે રેસકોર્સ મેદાન ખાતે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં તહેવારો પૂરા થતાની સાથે તાવ અને શરદી-ઉધરસનાં કેસમાં વધારો નોંધાયો છે.સાથે જ મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. જેમાં રાજકોટમાં ડેન્ગ્યુના આઠ દિવસમાં આઠ કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાનો એક અને તાવ સહિત સામાન્ય શરદી-ઉધરસના અંદાજિત પોણા ત્રણસો કેસ નોંધાયા છે. તહેવારો દરમિયાન બહારનો ખોરાક વધુ લેવાતો હોવાથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોય છે. ત્યારે લોકોએ સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી હતી.