રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત શહેરો અને નાના નગરો પણ રોજગાર-ધંધામાં વિકસિત થયેલા છે. રાજકોટ શહેરની નજીક અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. એટલે કે વેપાર-વણજ ક્ષેત્રે સૌરાષ્ટ્ર આગવું સ્થાન ધરાવે છે, પરંતુ જે રીતે ઉદ્યોગપતિઓ આવક કરી રહ્યા છે, તે પ્રમાણે ઈન્કમ ટેક્સની આવક થતી નથી. આથી રાજકોટ ઈન્કમટેક્સ રિજનને 3900 કરોડનો આવક વેરો વસુલવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્કમટેક્સ વસુલાતમાં અગ્રેસર રહેતા રાજકોટ રિજનને આ વર્ષે 400 કરોડની વૃધ્ધિ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં નવો ટાર્ગેટ 2735 કરોડ વ્યકિતગત કરદાતાઓ અને 1965 કરોડ કોર્પેારેટ કંપનીઓ માટે લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. બે વર્ષના લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર્રના વેપાર–રોજગારની ગાડી સડસડાટ ચાલી રહી છે. ગત વર્ષે રેકોર્ડબ્રેક ઈન્કમટેકસ કલેકશન બાદ નવા વર્ષનો ટાર્ગેટ રાજકોટ આવકવેરા વિભાગને મળ્યો છે. કોરોનાકાળમાં રાજકોટવાસીઓ આવકવેરો ચૂકવવામાં અગ્રેસર રહ્યા હતા. આ સંકટભર્યા સમયમાં ગુજરાતીઓએ રૂા.61 હજાર કરોડના ટાર્ગેટ સામે 72 હજાર કરોડનો ટેકસ સરકારની તિજોરીમાં ઠલવીને સમગ્ર દેશમાં 7મો ક્રમ મેળવ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર્ર–કચ્છના કરદાતાઓએ 3300 કરોડનો ટેકસ ચૂકવીને સીબીડીટીની પ્રશંસાને પાત્ર બન્યા હતા. આ વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2022-23માં 400 કરોડનો વધુ ટેકસ સાથે 3900 કરોડનો લક્ષ્યાંક રાજકોટ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટને મળ્યો છે. કોરોનાના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રની ઈન્ડસ્ટ્રીઝમાં ફટકો પડયો હતો પણ હવે બધું ધીમે ધીમે ટ્રેક પર આવવાની સાથે જેટગતિએ ચાલવા પણ લાગ્યું છે. ગત વર્ષે અધધ 3300 કરોડના લક્ષ્યાંક આવકવેરા વિભાગે સફળતાપૂર્ણ પુરો કર્યો હતો. જો કે નિર્ધારિત ટેકસ કરતાં પણ વધુ ટેકસ આવકવેરા વિભાગની તિજોરીમાં ઠલવાયો હતો.
રાજકોટ ઈન્કમટેકસના ચીફ કમિશનર બી.એલ. મીણાના માર્ગદર્શન હેઠળ આ વર્ષના ટાર્ગેટ માટે ટીમ દ્રારા કવાયત શરૂ કરવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સૌથી વધુ ટેકસ કલેકશનની સામે રિફડં ચૂકવવામાં પણ રાજકોટ રિજિયન અગ્રેસર રહ્યું હતું. તેમના પ્રયાસોને લીધે નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ આવકવેરા વિભાગની તિજોરીમાં વધુ ટેકસ ચુકવાયો હતો. આ વર્ષના નવા ટાર્ગેટમાં 3900 કરોડમાં 2735 કરોડ વ્યકિતગત કરદાતાઓ અને 1165 કરોડ કોર્પેારેટ કંપનીનો બજેટ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ 400 કરોડ વધુનો લયાંક ઈન્કમટેકસ વિભાગને આપવામાં આવ્યા છે.