રાજકોટઃ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ એક વર્ષમાં 93 હજાર પશુઓની કરી સારવાર
રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુ પંખીઓ માટે તાત્કાલિક જરૂરી સારવાર સ્થળ પર જ મળી રહે તે માટે 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનું શરૂ કરવામાં આવેલી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં એક વર્ષ જેટલા સમયમાં 93500 જેટલા પશુઓની સારવાર સ્થળ પર જઈને કરવામાં આવી હતી. તેમ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર રમેશભાઈએ જણાવ્યું હતું.
રાજયસરકારની ટોલ ફ્રી ૧૯૬૨ હેલ્પ લાઈન નંબર પર કોલ કરવાથી ઘાયલ તેમજ જરૂરિયાતમંદ પશુ પંખીઓને નજીકની એમ્બ્યુલન્સ પહોંચી સારવાર પુરી પાડે છે. રાજકોટ જિલ્લામાં 19 જેટલી મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી કાર્યરત છે. ગાય, ભેંસ, ઘેટાં, બકરા જેવા દુધાળા પશુ ઉપરાંત શ્વાન, ઘોડા, ગધેડા સહિતના પશુ અને પંખી તેમજ ઘુડખર જેવા વન્ય પ્રાણીઓને પણ જરૂરી સારવાર 1962 ની વેટરનરી ડોક્ટર્સની ટીમ પુરી પાડે છે. આ ઉપરાંત સપ્તાહમાં બે દિવસ નક્કી કરાયેલ ગામમાં મોબાઈલ પશુ દવાખાનું વિઝીટ કરી જરૂરિયાતમંદ પશુઓને સારવાર પુરી પાડે છે.
હાલમાં ધોરાજીના ભૂખી ગામમાં રહેતા બચુભાઈના બળદને શીંગડામાં કેન્સર હોવાનું જણાતાં પશુ દવાખાનાને 1962માં કોલ કરીને જાણ કરી હતી. જેથી સુપેડી ગામના ડૉ. મયંક પ્રજાપતિ અને ડ્રાઇવર રામજીભાઈ તથા ડુમિયાણી ગામના ડૉ. શાહરૂખ જૂણેજા અને ડ્રાઇવર ભાવેશભાઈ ડાભી સ્થળ પર પહોંચીને બળદના શીંગડાંનું ઓપરેશન કરીને બળદને પીડામાંથી મુક્તિ અપાવી હતી. અન્ય આવા જ એક કિસ્સામાં ઉમરકોટ ગામે અન્ય એક બળદના શીંગડાની સર્જરી કરવામાં આવી હતી.