રાજકોટમાં મ્યુનિ. દ્વારા તમામ ઓવરબ્રિજ નીચે પાર્કિંગ સુવિધા, હવે ખાણીપીણી બજાર ઊભુ કરાશે
રાજકોટઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી શહેરમાં ટ્રાફિકની સાથે પાર્કિંગની સમસ્યા પણ વકરી છે. રોડ પર થતાં વાહનોના પાર્કિંગને લીધે ટ્રાફિકથી સમસ્યા વધી છે. જેને હલ કરવા માટે શહેરના તમામ ઓવરબ્રિજ નીચે પે પાર્કિંગ અપાશે. તેમજ એવરબ્રિજ નીચે ખાણી-પીણી માટે પણ જગ્યા ફાળવાનો આરએમસીએ નિર્ણય લીધો છે.
આરએમસી દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જેમાં શહેરના તમામ ઓવરબ્રિજની નીચે વિવિધ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જોકે આ સુવિધા પે એન્ડ પાર્કની હોવાથી અહીં વાહન પાર્ક કરવા માટે રૂ.5થી રૂ.120 સુધીનું ભાડું વાહનચાલકોએ ચૂકવવું પડશે. જેમાં 3 કલાકથી 24 કલાક સુધી વાહન પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સાથે સાથે નવા બનેલા બ્રિજ નીચે ફૂડકોર્ટ પણ ઊભી કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં માર્ગો પર આડેધડ વાહનો પાર્ક થતા હોવાથી ટ્રાફિક સમસ્યાએ માથું ઉંચક્યું હતું. આડેધડ વાહનો પાર્ક થવાના કારણે અન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આવા અનેક મુદ્દાને ધ્યાને લઈ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જેમાં ઓવરબ્રિજની નીચે બન્ને બાજુએ, મ્યુનિ.ના ખાલી પ્લોટ પર પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મ્યુનિ.ની પાર્કિંગ પોલિસી મુજબ ટૂ-વ્હિલરથી લઈ હેવી વાહનો સુધીનાં તમામ માટેનું ભાડું જાહેર કરાયું છે. જેમાં ટૂ-વ્હિલરનું 3 કલાકનું ભાડું રૂ.5 અને 24 કલાકનું ભાડું રૂ.25, થ્રિ-વ્હિલરનું ભાડું અનુક્રમે 10 અને 30, ફોર વ્હિલરનું ભાડું 20 અને 80, એલસીવી વાહનોનું 20 અને 100 તેમજ હેવી વ્હિકલનું 3 કલાકનું ભાડું રૂ.40 અને 24 કલાકનું ભાડું રૂ.120 નક્કી કરવામાં આવ્યું છે. જે લોકો પ્રતિદિન પાર્કિંગમાં પોતાનું વાહન પાર્ક કરવા ઇચ્છતા હોય તેમના માટે મહિનાનું ભાડું પણ આ નવી પાર્કિંગ પોલિસીમાં નક્કી કરવામાં આવ્યું છે. મહિનાનું ઓછામાં ઓછું ભાડું રૂ.350 અને વધુમાં વધુ ભાડું રૂ.1200 નક્કી કરાયું છે.
આરએમસીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કે, રાજકોટમાં 168 જેટલા સ્થળોએ પે એન્ડ પાર્ક અમલમાં છે. જોકે હાલ અનેક નવા વિસ્તારો શહેરમાં સામેલ થયા છે. તેમજ વિવિધ સ્થળોએ ઓવરબ્રિજનું નિર્માણ થયું છે. જેને લઈને આવા તમામ વિસ્તારોમાં પણ પાર્કિંગની સુવિધા મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ ઓવરબ્રિજ નીચે ફૂડકોર્ટ શરૂ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા કર્યા બાદ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરી કામગીરી શરૂ કરવામાં આવશે.