રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની વિવિધ ફરિયાદો અને કન્ટ્રોલરૂમ કાર્યરત કરીને ઓનલાઈન કે ફોન દ્વારા ફરિયાદો નોંધીને તેના ઝડપી ઉકેલ માટેની વ્યવસ્થા ગોઠવી હતી. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં 9500 ફરિયાદો મળી હતી. એમાં હજુ 4000 ફરિયાદોનો જ નિકાલ કરી શકાયો નથી. મ્યુનિને સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપ અને ઓવરફલોની હતી. આ મામલે મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે, બધી પેન્ડિંગ ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની ફરિયાદોનો ઝડપભેર નિકાલ કરવા માટે કોલ સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી છે, પણ છેલ્લા ત્રણ મહિનામાં જ કોલ સેન્ટરમાં ફરિયાદોનો ઢગલો થયો છે. જેમાં નવેમ્બરથી ફેબ્રુઆરીના ત્રણ માસ દરમિયાન કોલ સેન્ટરમાં અલગ-અલગ 29 શાખાઓની કુલ 95 હજાર ફરિયાદ નોંધાઇ છે. જેમાં 4,000 ફરિયાદોનો ત્રણ મહિનાથી નિકાલ જ થયો નથી. આ ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપ અને ઓવરફ્લોની છે. આવી જ રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર વર્કસ, આવાસ, સિટીબસની અનિયમિતતા, દબાણ હટાવ શાખા, રોશની વિભાગની ફરિયાદો પણ છે.
આ અંગે શહેરના મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, હાલ મ્યુનિ. દ્વારા લોકોની ફરિયાદનું નિવારણ આવી શકે એટલા માટે ખાસ કમ્પ્લેઈન નંબર જાહેર કરાયા છે. આ સાથે જ એવી સિસ્ટમ ડેવલોપ કરાઈ છે કે, કોઈ શહેરીજન જ્યારે ફરિયાદ કરે છે, ત્યારે તેમની ફરિયાદનું સોલ્યુશન થઈ જાય ત્યારબાદ તેમને મેસેજ પણ મળી જાય છે પરંતુ, ડ્રેનેજ વિભાગની સૌથી વધારે ફરિયાદો ઉકેલવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને ડ્રેનેજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી બાકી રહેલી તમામ ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા આદેશો આપવામાં આવશે. કોલ સેન્ટરમાં અમુક વખતે ફરિયાદ કર્યા બાદ કોઈપણ કાર્યવાહી થયા વિના કમ્પ્લેઇન સોલ્વનો મેસેજ આવી જતો હોવાની ફરિયાદો ઉઠી છે. તે અંગે મેયરે જણાવ્યું હતું કે, આ અંગે પણ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવશે અને કોઈ ટેક્નિકલ ક્ષતિને કારણે આવું બનતું હોય તો તેને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. લોકોને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિ. દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, અમુક નવા ભળેલા વિસ્તારોમાં થોડી સમસ્યા રહેતી હોય છે અને તેને ઉકેલવા તંત્ર સતત પ્રયત્નશીલ છીએ.
સૂત્રોના કહેવા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના કોલ સેન્ટરમાં છેલ્લા ત્રણ માસમાં મળેલી ફરિયોદોમાં સૌથી વધુ ડ્રેનેજ ચોકઅપ અને ઓવરફ્લોની 54,650 ફરિયાદો છે. આમાં 53,857 ફરિયાદોનો નિકાલ થયો છે જ્યારે 793 ફરિયાદો નિકાલ થયા વગરની છે. આવી જ રીતે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત 10,780 ફરિયાદો મળી છે. જેમાં 10,317 ફરિયાદોનો નિકાલ થયો અને 463 ફરિયાદો નિકાલ થયા વગરની છે. વોટર વર્કસ આઉટડોરની 6450 ફરિયાદો મળી છે. આમાંથી 5717 ફરિયાદોનો નિકાલ થયો છે અને 733 ફરિયાદોનો હજી નિકાલ થયો નથી. દબાણ હટાવશાખાની 1770 ફરિયાદોમાંથી 1753નો નિકાલ થયો છે અને 17 ફરિયાદો છેલ્લા ત્રણ મહિનાથી પેન્ડિંગ છે.