રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કમિશનરે તાજેતરમાં વર્ષ 2023-24નું રૂપિયા 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયા બાદ એમાં સુધારા-વધારા કરીને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2637.80 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિ. કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી 39.97 કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે. જેમાં પાણીવેરો બમણો કરી 840ના બદલે 1500 રૂપિયા લેવાશે. તેમજ બિનરહેણાંક એટલે કે કોમર્શિયલમાં રૂ.1680ના બદલે રૂ.3000નું પાણી બિલ ચૂકવવું પડશે. જોકે, બજેટમાં ખાસ કોઈ મોટી નવી જાહેરાત કરવામાં આવી નથી.
રાજકોટ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2023-24ના રૂપિયા 2637.80 કરોડના બજેટને મંજુરી આપવામાં આવી હતી. આ બજેટમાં મ્યુનિ. કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી 39.97 કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે. જેમાં પાણીવેરો બમણો કરી 840ના બદલે 1500 રૂપિયા લેવાશે એટલે કે, પાણીવેરો ડબલ કરવાને મંજૂરી આપવામાં આવી છે. કમિશનરે સ્માર્ટ સિટીના લોકો પર પાણી વેરો ત્રણ ગણો કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેને હળવો કરવામાં આવ્યો છે. પાણી વિતરણનો ખર્ચ, યોજના, ગરીબ અને મધ્યમ વર્ગના મિલકતધારકોને ધ્યાનમાં રાખી પાણી વેરો દોઢ દાયકા બાદ ડબલ કરાયો છે. રહેણાંક મિલકતમાં ઘરે ઘરે કચરા એકત્રિકરણનો ચાર્જ રૂ.365 વાર્ષિક યથાવત રાખીને રહેણાંક મિલકતના ટેક્સમાં પણ કોઈ વધારો મંજૂર કર્યો નથી .
મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2023-24નું રૂ.2586.82 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું. જેનો સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કરી, આવશ્યક સુધારા વધારા કરવા ઉપરાંત નર્મદા આધારિત પાણી પુરવઠા યોજના, શહેરમાં પાણી વિતરણના ખર્ચ વગેરેને ધ્યાનમાં લઈને કમિશનર દ્વારા મિલકત વેરા, પાણી ચાર્જિસમાં સૂચવાયેલા વધારામાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ મિલકત વેરામાં કોઈ વધારો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યો નથી. જ્યારે ડોર ટુ ગાર્બેજ કલેક્શનમાં રહેણાંક ઉપયોગમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ વ્યાપાર ઉપયોગી ગાર્બેજ કલેક્શનમાં કમિશનર દ્વારા સૂચવેલો વધારો માન્ય રાખી 730થી વધારી બમણો કરી 1460 રૂપિયા મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે સિનેમા ટેક્સમાં પ્રતિ શો દીઠ 100 રૂપિયા વધારી 1000 કરવા સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 125 રૂપિયા વસૂલવા નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનરે આ બજેટમાં કુલ રૂ.100.36 કરોડના નવા કરવેરા સુચવેલા હતા. શહેરીજનો પર વધુ કરબોજ ન આવે સાથોસાથ શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે પૂરતું ભંડોળ પણ મળી રહે તે હેતુથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.