રાજકોટઃ નાણાકિય વર્ષનો અંતિમ મહિનો ગણાતો માર્ચ મહિનો પુરો થવાની તૈયારીમાં છે. એટલે કે ગત એપ્રિલ મહિનાથી માર્ચ સુધીના 12 મહિનામાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને સમયાંતરે ઝુંબેશ ચલાવીને 350થી વધુ વેરાની વસુલાત કરી છે. જેમાં ઘણાબધા પ્રાપર્ટીધારકોને વર્ષોથી વેરો બાકી હતો, તેની વસુલાત માટે સિલિંગ ઝુબંશ ઉપરાંત રહેણાક વિસ્તારોમાં નળ-ગટર કનેક્શન કાપવામાં આવ્યા હતા. તેથી બાકીદારો પાસેથી વેરા વસુલાતમાં સફળતા મળી હતી.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને બાકી વેરા વસૂલાતમાં અનેરી સિદ્ધી હાંસલ કરી છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના છ જ દિવસ પહેલા એટલે કે, રવિવારના દિવસે 98.99 લાખ રૂપિયાની વસૂલાત કરતાં મિલકતવેરાની કુલ 350.84 કરોડની વર્ષ દરમિયાન આવક થઈ છે. આરએમસી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વેરા વસુલાત માટે ઝૂબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં આ વર્ષે સારીએવી સફળતા મળી છે. આરએમસીના ટેક્સ વિભાગે રવિવારના રજાના દિવસે 12 મિલકતોને સીલ, 10 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ અને 4 નળ કનેક્શન કાપીને 98.99 લાખ રૂપિયાની વસૂલાત કરી હતી. આ વસૂલાતમાં આરટીઓની એક બિલ્ડિંગના 2.71 લાખ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. આ રીતે સરકારી પ્રોપર્ટીઓના લેણા માટે પણ કવાયત ચાલુ કરી દેવાતા આવક વધી છે. આમ મ્યુનિ.ને કુલ 3,90,725 મિલકતની 350.84 કરોડ રૂપિયાના વેરાની આવક થઈ છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હજુ છ દિવસ બાકી છે. તેથી હજુ પણ આવકમાં વધારો થશે.
આરએમસીના ટેક્સ વિભાગના અધિકારીઓએ નાણાકીય વર્ષની એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચાલુ વર્ષે કોઇપણ ભોગે 350 કરોડનો જાદુઈ આંક હાંસલ કરાશે. એટલે જે ટાર્ગેટ રખાયો હતો. તેને પૂર્ણ કરી શકાયો છે. આરએમસીનો કર્મચારીઓનો પગાર ખર્ચ જ 350 કરોડથી વધુ છે.એટલે વેરાની આવક કર્મચારીઓના પગારમાં ખર્ચાઈ જશે. પરંતુ સરકારી ગ્રાન્ટને ઉપયોગ વિકાસના કામોમાં કરી શકાશે.