રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોફેશનલ ટેક્સની બાકી વસુલાત તેમજ પ્રોફેશનલ ટેક્સ ન ભરતા નવા કરદાતાઓને શોધવા માટેની ઝૂંબેશ શરૂ કરી છે. મ્યુનિના ટેકસ બ્રાન્ચ દ્વારા પ્રોફેશનલ ટેકસ વસૂલવા શહેરના અનેક બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેકટસ, ડોકટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, લોયર્સ, શેર બ્રોકર્સ, કોન્ટ્રાકટર્સ સહિતના વ્યાવસાયિકો તેમજ દુકાનો–શોરૂમ–કારખાનાઓને વિગેરેનો બાકી વેરો વસુલવા, નવા રજિસ્ટ્રેશન કરવા, કેવાયસી ડિટેલ્સ અપડેટ કરાવવા હજારોની સંખ્યામાં નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં સર્વપ્રથમવાર એનજીઓ, ટ્રસ્ટ, હોસ્પિટલ્સનો સર્વે શરૂ કરાયો છે. ખાસ કરીને પ્રોપર્ટી ટેકસ અને પ્રોફેશનલ ટેકસનું લિન્ક અપ શરૂ કરાયું છે. તમામ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ મિલકતોમાં પ્રોફેશનલ ટેકસનું રજિસ્ટ્રેશન છે. કે, નહીં તે અંગે સર્ચ શરૂ કરાયુ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા સને 2021-22નાં છેલ્લા ફેરફાર મુજબ માત્ર કેટેગરી (7)ની પેઢીઓને લાગુ થશે. અન્ય કેટેગરીમાં સમાવિષ્ટ્ર પેઢીઓનો દર યથાવત રહેશે. આ જાહેરનામાંથી આરસી (કર્મચારીઓ માટે) માટેનાં સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ તારીખ 1-4-2022થી જે કર્મચારીઓ 12,000થી ઓછું માસિક વેતન–પગાર મેળવતાં હોય, તેઓ વ્યવસાય વેરા પાત્ર બનશે નહિ મતલબ કે 80 અને 150નો સ્લેબ નાબુદ કરવામાં આવેલ છે. અલબત્ત આ ફેરફાર તા.1લી એપ્રિલ 2022થી લાગુ કરવામાં આવ્યો છે, આથી જેમણે જુનો ચુકવવાપાત્ર વેરો ચૂકવેલ નથી તેઓએ તત્કાલિન નિયમોને આધીન રહી, જે તે સમયનો બાકી વેરો નિયમાનુસાર વ્યાજ સાથે જ ચૂકવવાનો રહેશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મિલકત વેરા રજિસ્ટર પર નોંધાયેલા બિન રહેણાંક મિલકતો દીઠ વ્યવસાય વેરા નોંધણી સુનિશ્ચિત કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત બિન રહેણાંક મિલકતોને વ્યવસાય વેરાની સુનાવણી નોટિસ પાઠવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત જે વ્યવસાય કર્તા નોંધણી ધરાવતાં હોય, તેઓ ઉપરોકત યાદીમાં દર્શાવ્યા મુજબનાં દસ્તાવેજો વોર્ડ ઓફિસને રજુ કરી કેવાયસીનાં ભાગરૂપે પોતાની નોંધણી અપડેટ કરવાની રહે છે. જે નોંધણી ધરાવતાં નથી તેઓએ નવી નોંધણી કરાવવા માટે દસ્તાવેજો સાથે અરજી કરવાની રહે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભથી જ વ્યવસાય વેરા વસુલાતની કામગીરી તેમજ નોંધણીની કામગીરી સઘન કરવામાં આવી છે.
મ્યુનિ.ના સૂત્રોએ ઉમેર્યું હતું કે મિલકત વેરા અને વ્યવસાય વેરાને લિન્ક અપ કરવાનાં હેતુથી વ્યવસાય વેરાની નવી નોંધણી મિલકત નંબર સાથે લીંક કરી છે તેમજ નોંધણી સમયે અરજદાર કયા વ્યવસાય સાથે સંકળાયેલ છે તેની વિગતો પૂરી પાડવાની રહે છે. જે એકમોએ પહેલેથી વ્યવસાય વેરા નોંધણી કરાવી છે, તેઓએ રાજકોટ મ્યુનિ.માં કેવાયસીનાં ભાગરૂપે દસ્તાવેજો પુરા પાડી તેઓના ઇસી–આરસી અપડેટ કરાવવા પડશે. રાજકોટ શહેરમાં કાર્યરત તમામ એકમો, પેઢીઓ, સ્વતત્રં વ્યવસાયિકો, ટ્રસ્ટ, એનજીઓ, એનપીઓ વિગેરે કે જે વ્યવસાયિક, નાણાકીય પ્રવૃતિમાં જોડાયેલા હોય, જેને ત્યાં કર્મચારીઓ રાખેલ હોય તેઓ પ્રવર્તમાન કાયદા મુજબ નાણાકીય હિસાબો નિભાવતા હોય વિગેરે વ્યવસાય વેરા પાત્ર બને છે.જયારે કોઈપણ વ્યવસાય કરનારી પેઢી એકથી વધારે જગ્યાએ કાર્યરત હોય અથવા બ્રાંચ શરૂ કરે તેવા કિસ્સામાં બ્રાંચ દીઠ વ્યવસાય વેરો ચુકવવા પાત્ર બને છે. વ્યવસાય વેરાની કામગીરી માટે પેઢી નિયત કરવા અર્થે વાર્ષિક હિસાબો ધ્યાને લેવામાં આવે છે. એકથી વધારે બ્રાંચ વિગેરે હોય તેવા કિસ્સામાં જો દરેક બ્રાન્ચ દીઠ વાર્ષિક હિસાબ અલગ નિભાવવામાં આવતો હોય, તો બ્રાન્ચ દીઠ ઇસી–આરસીનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.