રાજકોટઃ મનપાએ રોડ ઉપર દબાણના દુર કરવાના અભિયાનનો પ્રારંભ
અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટ શહેરમાં મનપાએ રસ્તા ઉપરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવ્યા બાદ હવે માર્ગો ઉપરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. મનપા દ્વારા આજે શહેરના રૈયા રોડ વિસ્તારમાં રસ્તા ઉપરના નાના-મોટા દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રસ્તા અને ફુટપાથ ઉપરના દબાણો બાબતે અનેક ફરિયાદો મળી હતી. જેથી મનપાએ દબાણોને દૂર કરવા માટે “વન વિક વન વોર્ડ” અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ રૌયા રોડ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 2 અને 8માં દબાણો દૂર કરવાની આજે કામગીરી શરૂ કરાઈ હતી. મનપાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા અને ફુટપાથ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી.
મનપાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરના તમામ માર્ગો ઉપરના નાના-મોટા દબાણો દૂર કરવામાં આવશે. આ માટે મનપા તંત્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દબાણો દૂર થતા વાહન વ્યવહાર અને રાહદારીઓને મોટી રાહત મળશે.