Site icon Revoi.in

રાજકોટ: નવરાત્રીમાં મનપાના આરોગ્ય કેન્દ્રો રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

Social Share

રાજકોટ:નવરાત્રીની તૈયારીઓ અત્યારે તડામાર ચાલી રહી છે, લોકો પણ આતુરતાથી આ તહેવારની રાહ જોવે છે ત્યારે રાજકોટ મનપા દ્વારા મહત્વનું પગલુ લેવામાં આવ્યું છે. રાજકોટમાં મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે નવરાત્રીના નવ દિવસોમાં આરોગ્ય કેન્દ્રો રાતે 1 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.

આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ હાલ ખેલૈયાઓના હૃદય સહિતના આરોગ્યની ચિંતા માટે રાજય સરકારે હરકતમાં આવવું પડયું છે. છેલ્લા મહિનાઓમાં હૃદયરોગના હુમલાના કારણે રાજયમાં અનેક યુવાનોના અવસાન થયા છે ત્યારે ખૂબ જ થાક, તણાવ જેવા કારણો સામે તકેદારીના પગલા લેવા નોરતામાં ગરબા આયોજન સ્થળે તબીબી સહાય ટીમો ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જેમાં ગરબા આયોજકોને પણ સહાયની વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરવામાં આવી છે.

ત્યારે રાજકોટ મનપાએ પણ ડોકટરોની ટીમ અને આરોગ્ય કેન્દ્રોમાં મોડીરાત સુધી સારવારની વ્યવસ્થાનું આયોજન કર્યુ છે. જેને લઈને નવરાત્રીના નવ દિવસો દરમિયાન મનપાનાં તમામ આરોગ્ય કેન્દ્રો રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને કોઇને ગરબા સ્થળે તબીબી સહાયની જરૂર હોય તો ટીમ સ્થળ પર પહોંચી સારવાર કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.