Site icon Revoi.in

ઓખા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની કામગીરીને લીધે રાજકોટ-ઓખાની લોકલ ટ્રેન 11મી સુધી રદ

Social Share

રાજકોટઃ દેવભૂમિ દ્વારકાના સમુદ્રકાંઠા નજીક આવેલા ઓખા રેલવે સ્ટેશન પર હાલ એક નંબરના પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં આગામી તા.12મી જુલાઈ સુધી કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. જ્યારે લાંબા રૂટ્સની બે ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ ઓખા-રાજકોટ-ઓખા ટ્રેનને 11મી જુલાઈ સુધી રદ કરવામાં આવી છે.

રાજકોટ રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ ઓખા સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મની લંબાઇ વધારવાની કામગીરીને કારણે એન્જિનિયરિંગ અને ટ્રેક્શન વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવતા આગામી તા.12 સુધી કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. એક ટ્રેન રદ કરવામાં આવી છે. જ્યારે લાંબા અંતરની બે ટ્રેન ઉપરોક્ત કામગીરીને કારણે મોડી દોડશે. ટ્રેન નં.09480- 09479 ઓખા-રાજકોટ-ઓખા લોકલ ટ્રેનને આગામી તા.11 સુધી રદ કરવામાં આવી છે. તેમજ ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન તા.11 સુધી સુરેન્દ્રનગર સુધી જ દોડશે અને આ જ ટ્રેન સુરેન્દ્રનગરથી ભાવનગર પરત ફરશે. જેને કારણે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત લાંબા અંતરની બે ટ્રેન માર્ગમાં મોડી થશે. જેમાં આજે મંગળવારે ઉપડનારી ટ્રેન નં.22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ બે કલાક મોડી થશે. જ્યારે તા.11ના રોજ ઉપડનારી ટ્રેન નં.22906 શાલિમાર-ઓખા એક્સપ્રેસ ટ્રેન માર્ગમાં 40 મિનિટ મોડી થશે. આમ કામગીરીને કારણે કેટલીક ટ્રેન મોડી, કેટલીક ટ્રેન આંશિક રીતે રદ અને એક ટ્રેન રદ કરવામાં આવતા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.