- છેલ્લા બે મહિનાથી કોરોનાને કારણે ઝૂ હતું બંધ
- કોવિડની ગાઈડલાઈનના પાલન સાથે પ્રદ્યુમન પાર્ક ઝૂ શરૂ થયું
- દેશ વિદેશના પક્ષીઓ જોવા માટે સૌરાષ્ટ્ર ભરમાંથી આવે છે સહેલાણીઓ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સહેલાણીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બીજી લહેરમાં બંધ થયેલ પ્રદ્યુમન પાર્ક આજથી કોરોના ગાઈડલાઈન સાથે શરૂ થવા જઈ રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવતા ફરવા લાયક તમામ બાગ બગીચા સહિત પ્રદ્યુમન પાર્ક ઝૂ બંધ કરી દેવામાં આવ્યું હતું. અને બીજી લહેરનો જ્યારે હવે અંત આવી ગયો છે. ત્યારે લોકો બગીચા અને પાર્ક ખૂલવાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજ્ય સરકારે અનલોક જાહેર કરી બાગ-બગિચાઓ ગત સપ્તાહે ખોલવાની મંજૂરી આપી હતી. જ્યારે બાળકોથી લઈને મોટેરાઓ સુધીના આનંદ લઈ શકે તેવા એકમાત્ર સ્થળ પ્રદ્યુમન પાર્ક ઝૂ લાંબા સમયથી બંધ રહ્યા બાદ આજથી કોરોનાની ગાઈડલાઈન સાથે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે પ્રાણીઉદ્યાનની મુલાકાતે આવનાર લોકોને સેનેટાઈઝ કરવામાં આવશે તથા થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવશે.
માસ્ક પહેરવું ફરજીયાત રહેશે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. પ્રાણીઉદ્યાનનો સમય સવારે 09:00 થી સાંજે 06:00 વાગ્યાનો રહેશે, તેમજ ઈલેક્ટ્રીક કાર પણ ચાલુ રખાશે. દર શુક્રવારે બંધ રહેશે.
રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે 137 એકરમાં ફેલાયલ ઝૂ ના નૈસર્ગિક વાતાવરણમાં પ્રાકૃતિક પર્યાવરણનો અહેસાસ થાય છે. ઝૂ ખાતે હાલ જુદી જુદી 55 પ્રજાતીના કુલ 446 પ્રાણીઓ, પક્ષીઓ આવેલ છે.અને તેને નિહાળવા સહેલાણીઓમાં આનંદ છવાય છે.
આ સાથે જોવાનું એ રહેશે કે પ્રવાસીઓની સાથે પાર્ક દ્વારા પણ કેટલી તકેદારી રાખવામાં આવશે. પાર્ક, બાગ અને બગીચા જેવા સ્થળોએ મોટા પ્રમાણમાં લોકોની ભીડ ભેગી થતી હોય છે અને કોરોનાવાયરસનું જોખમ વધવાની સંભાવના પણ રહેતી હોય છે.
કોરોનાની ત્રીજી લહેર વિશે તો જાણકારો દ્વારા પહેલાથી જ ચેતવણી આપી દેવામાં આવી છે પણ તેની સાથે મોટો પડકાર એ હશે કે તમામ આપણે સૌએ કોરોનાવાયરસની ત્રીજી લહેર ન આવે તે વર્તન કરવાનું છે અને વેપાર ધંધાને પણ ફરીવાર બેઠા કરવાના છે.