રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પર પેસેન્જરોની સુવિધા માટે એક્સિલેટર અને લિફ્ટની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી યાત્રિકો માટે જે સૌથી વધુ જરૂરિયાત હતી તે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. ઘણા સમયથી એસ્કેલેટરનું કામ રેલવે સ્ટેશન પર ચાલી રહ્યું હતું જે આખરે પૂર્ણ થતા સ્ટેશન પર હવે યાત્રિકોએ પગથિયાં નહીં ચઢવા પડે પરંતુ લિફ્ટ અથવા એસ્કેલેટરની મદદથી એક પ્લેટફોર્મ પરથી બીજા પર જઈ શકાશે. તાજેતરમાં જ રાજકોટ રેલવે ડિવિઝનમાં જુદા જુદા 23.76 કરોડના કામોના સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે લોકાર્પણ કરાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ રેલવે ડિવિઝનમાં કુલ રૂ 23.76 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.. જેમાં રાજકોટ રેલવે જંક્શન ખાતે પ્લેટફોર્મ નં 1,2 અને 3 ઉપર રૂ. 4.54 કરોડના ખર્ચે ઇલેક્ટ્રોનિક એસ્કેલેટરની સુવિધા, પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ. 42.20 લાખના ખર્ચે મુસાફરો માટે લિફ્ટની સુવિધા, રૂ. 12.45 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનના નવીનીકરણનું કાર્ય, પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર રૂ. 59.75 લાખના ખર્ચે મુસાફરો માટે કોચ ઇન્ડિકેટર સિસ્ટમ તથા પ્લેટફોર્મ નં 2 અને 3 ઉપર મુસાફરો માટે રૂ. 3.28 કરોડના ખર્ચે ક્વિક વોટર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ નં.2 ઉપર સર્ક્યુલેટિંગ એરિયામાં રૂ. 1.20 કરોડના ખર્ચે મુસાફરો માટે બે લિફ્ટ તથા પ્લેટફોર્મ નં. 2 ઉપર રૂ. 1.01 કરોડના ખર્ચે કવરશેડ લગાવવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડીસીએમ અભિનવ જેફ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.