ભાવનગરઃ ગુજરાતમાં વીજ વપરાશ વધતો જાય છે. અને વધુ વીજ વપરાશના બિલોથી લોકો પણ પરેશાન છે, ત્યારે હવે લોકોમાં સોલાર પેનલો પોતાના ઘર પર લગાવીને વીજળી બિલોમાં મોટી રાહત મળતી હોવાથી જાગૃતિ પણ આવતી જાય છે. સરકાર દ્વારા સોલાર પેનલો લગાવતા ગ્રાહકોને સબસિડી પણ આપવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સોલાર પેનલ લગાવવામાં રાજકોટ પ્રથમક્રમે અને ભાવનગર બીજાક્રમે છે. ભાવનગરમાં 2019 થી 2024 દરમિયાન સુર્ય ગુજરાત યોજના થકી 36,384 લોકોએ સોલાર લગાવવાની અરજી કરી હતી જે પૈકી તમામ અરજીઓ મંજુર થઇ હતી. જે સોલાર પેનલ થકી ચાર વર્ષમાં 127.475 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું હતું
ગુજરાતમાં વર્ષ 2019ની સાલમાં વીજ ગ્રાહકોના હિતને ધ્યાને લઇ સુર્ય ગુજરાત યોજના અમલી બની હતી. સોલાર પેનલ લગાવનારને સરકાર દ્વારા સબસીડી પુરી પાડવામાં આવે છે. જેનો હેતું વધુમાં વધુ લોકો સોલર પેનલથી વીજ ઉત્પાદન કરી શકે અને વીજની બચત પણ થઇ શકે. જે યોજના થકી ગુજરાતમાં મોટાભાગના ઘરોમાં લોકોએ સોલાર લગાવ્યા છે. સોલાર લગાવવામાં રાજકોટ પ્રથમ નંબરે સૌથી વધુ એક લાખથી વધુ લોકોએ ઘરમાં સોલાર લગાવ્યા છે. બીજા નંબરે ભાવનગર છે. 2019 થી 2023 દરમિયાન 36,384 લોકોએ સોલાર લગાવ્યા હતા અને ત્રીજા નંબરે જામનગરમાં 27 હજારથી વધુ લોકોએ સોલારનો લાભ લીધો હતો. જેમાં ભાવનગરમાં ચાર વર્ષ દરમિયાન 98 કરોડથી વધુ સબસીડી મળવા પાત્ર થઇ છે.
ભાવનગર PGVCLના સૂત્રોએ જણાવ્યું હતું કે, 2019 થી 2024 દરમિયાન સુર્ય ગુજરાત યોજના થકી ભાવનગરમાં 36,384 લોકોએ સોલાર લગાવવાની અરજી કરી હતી જે પૈકી તમામ અરજીઓ મંજુર થઇ હતી. જે સોલાર પેનલ થકી ચાર વર્ષમાં 127.475 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું હતું અને કુલ રૂા. 98.75.45.581.19 કરોડ રૂપિયાની સબસીડી મળવા પાત્ર થઇ છે.