રાજકોટઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના અકસ્માતો ઓવર સ્પિડિંગ અને ઓવરટેકને કારણે થતા હોય છે. જ્યારે કેટલાક માલવાહક વાહનો ઓવરલોડને કારણે અકસ્માતો સર્જતા હોય છે. ત્યારે આવા વાહનચાલકો સામે દંડનીય પગલાં લેવા રાજ્યભરના આરટીઓ દ્વારા સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. જેમાં રાજકોટ RTO કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન ગુનાહિત વાહનો ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વર્ષમાં અલગ- અલગ નિયમોના ભંગ કરતા વાહનચાલકોને રૂ.6,11,24,258 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના 1,155 કેસ નોંધાયા છે. રોજબરોજના વધતા અકસ્માતના ધ્યાને રાખી રાજકોટ RTO દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
રાજકોટના આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2023માં વાહનચાલકોને નિયમ ભંગ બદલ કડક દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ઓવરલોડ વાહનના 2,117 કેસમાં રૂ.2,81,72,890નો દંડ કરાયો હતો. ત ઓવર ડાઇમેન્સન એટલે કે કોઈ વાહનનો વધારાનો ભાગ બહાર નીકળતો હોય તેવા 1,031 કેસમાં રૂ.60,84,309નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે કલેન્ડેસ્ટાઇન ઓપરેશન એટલે ઈકો, બસ વગેરેના પેસેન્જર તેમજ તેમના દસ્તાવેજો બાબતે RTO, પોલીસ અને જી.એસ.આર.ટી.સી.નું જોઈન્ટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 684 કેસમાં રૂ.62.94 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ટેક્સ ભર્યા વિના વાહન ચલાવનારા 237ને રૂ.79,95, 415નો દંડ કરાયો હતો. ઉપરાંત રેડિયમ રેફલેકટર, અંડર એજ ડ્રાઇવિંગ, મોબાઇલ પર વાત કરવી વગેરે જેવા રોડ સેફ્ટીના નિયમો ભંગ કરનારા 1,279 વાહનચાલકોને રૂ.12.96 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. આ સિવાય ફિટનેસ અને ઇન્સ્યોરન્સ વગરના વાહનના 2,317 કેસમાં રૂ.75.79 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે હેલ્મેટ, સીટબેલ્ટ, પી.યુ.સી. વિના વાહન ચલાવનારા 2,463 પાસેથી રૂ.12,31,500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઓવરસ્પીડે તેમજ ભયજનક રીતે વાહન ચલાવવાના 1,155 કેસમાં રૂ. 24,81,144નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
RTO દ્વારા વર્ષ દરમિયાન અલગ- અલગ પ્રકારની ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવે છે. જેમાં સ્કૂલે જતાં 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ વાહન લઈને જતાં હોય તો તેને રોકી કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે ઓવરસ્પીડ તેમજ ઓવરલોડ વાહનો અકસ્માત સર્જતા હોવાથી તેમની સામે પણ લાલઆંખ કરી કડક કાર્યવાહી થાય છે.