રાજકોટ ગ્રામ્ય વિસ્તારના રૂા. 309 કરોડ માર્ગ મકાન વિભાગના કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી
અમદાવાદઃ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળ પરિવહન મળી રહે તેવા ઉમદા હેતુસર રૂા. 308.90 કરોડના ખર્ચે કુલ 89.540૦ કિ.મી.ના રસ્તાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારના સ્ટેટ હાઇવેના મુખ્ય માર્ગ રાજકોટ-ભાવનગર રોડના નવીનીકરણ માટે નાગરિકો દ્વારા રજૂઆતો મળી હતી. તેને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ 70કિ.મી.ના રાજકોટ-ભાવનગર હાઈવેને રૂા. 293 કરોડના ખર્ચે ફોર-લેન માર્ગને રિસર્ફેસીંગ માટે મંજૂરી આપી છે. રૂા. 10.50 કરોડના ખર્ચે 8.90 કિ.મી.ના રાજકોટ – કાલાવડ રોડ મેટોડા સુધીનો રસ્તો તથા જિલ્લા પંચાયત રાજકોટ હસ્તકના 10.640 કિ.મી.ના એસ.એચ. થી મેટોડા એપ્રોચ રોડ, રણુજા લાપાસરી રોડ, કાળીપાટ એપ્રોચ રોડ, સ્ટેટ હાઇવે થી કૃષ્ણનગર કણકોટ રામનગર રોડ અને નગરપીપળીયાથી દેવડા છાપરા રોડ વિગેરે રસ્તાઓને રૂા. 5.40 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. જેના પરિણામે નાગરિકોને વાહન પરિવહન સુવિધામાં ખૂબ જ સરળતા થશે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસના અનેક કાર્યો થયો છે અને રાજ્યમાં વિકાસના કાર્યો તેજ ગતિએ આગળ વધી રહ્યાં છે. પ્રજાની સુખાકારી માટે વિવિધ યોજના પ્રોજેક્ટ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન પરિવહન સેવા વધારે ઝડપી બને તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં વિવિધ ધોરીમાર્ગોને પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એટલું જ નહીં નવા રોડ-રસ્તા બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટના ગ્રામ્ય વિ્સ્તારમાં માર્ગો બનાવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી રાજકોટની જનતાને ફાયદો થશે.