રાજકોટઃ નકલી નોટો જ નહીં પણ ઠગબાજો માગો એ યુનિવર્સિટીઓની નકલી ડિગ્રીઓ પણ બનાવીને વેચીને તગડા રૂપિયા કમાતા હોય છે.ત્યારે રાજકોટ પોલીસે નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, પોલીસે સાધુવાસવાણી રોડ પરથી એક મહિલાને અલગ અલગ બે વ્યક્તિની માર્કશીટ અને ડિગ્રી સાથે ઝડપી લીધી હતી, મહિલાને દિલ્હીનો શખ્સ નકલી ડિગ્રી પહોંચાડતો હતો, તો એસ્ટ્રોન વિસ્તારમાંથી ડિગ્રી વેચનારા અને ખરીદનારા ઝડપાયા હતા, મેઘાલય અને આગ્રાની યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ રૂ.70 હજારથી માંડી રૂ.1.25 લાખમાં વેચાતી હોવાનો ધડાકો થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર રાજપેલેસ ચોક પાસેના રત્નમ બિલ્ડિંગમાં રહેતી ધર્મિષ્ઠા જેવિન માકડિયા નકલી માર્કશીટ અને ડિગ્રી વેચતી હોવાની અને તે મહિલા માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ સાથે સાધુ વાસવાણી રોડ પર શાકભાજી માર્કેટ પાસે સ્કૂટર લઇને ઊભી હોવાની માહિતી મળતાં પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ અંસારી અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા તથા કોન્સ્ટેબલ શાંતુબેન મુળિયા સહિતની ટીમ દોડી ગઇ હતી.
પોલીસે ધર્મિષ્ઠાને રાઉન્ડ અપ કરી તેની પાસે રહેલા એક્ટિવાની તલાશી લેતા તેમાંથી મેઘાલય રાજ્ય વિલિયમ કેરી યુનિવર્સિટી શિલોંગના સહી સિક્કા વાળી ડુપ્લિકેટ સાત માર્કશીટ અને બે ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા હતા, ધર્મિષ્ઠા પાસેથી મળેલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકૂટધામ સોસાયટીમાં રહેતી માલતી હસમુખ ત્રિવેદી અને રાજકોટના જ મૌલિક ધનેશ જસાણીના નામની હતી. પોલીસે કબજે થયેલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ અંગે મેઘાલયમાં તપાસ કરાવતા આવા કોઇ વિદ્યાર્થીએ તેમની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા અંગેનો ઇનકાર કરતા માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ ડુપ્લિકેટ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ધર્મિષ્ઠા માકડિયા, તેને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ પહોંચાડનાર દિલ્હીના પ્રદીપ યાદવ, નકલી માર્કશીટ અને ડિગ્રી ખરીદનાર માલતી હસમુખ ત્રિવેદી તથા મૌલિક ધનેશ જસાણી સામે ગુનો નોંધી સૂત્રધાર ધર્મિષ્ઠાને સકંજામાં લીધી હતી. માર્કશીટ અને ડિગ્રીવાંછુકો પાસેથી રૂ.70-70 હજાર પડાવ્યાનો તપાસમાં ધડાકો થયો હતો.
ધર્મિષ્ઠાની પૂછપરછમાં જ પોલીસને આવા જ ગોરખધંધા કરનારા પારસ ખજૂરિયાની માહિતી મળી હતી તેને પણ પોલીસે આગ્રાની ડો.આંબેડકર યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા હતા, પારસે રાજકોટના જ વૈભવ પાટડિયા અને ગોરડિયા નામના શખ્સને માર્કશીટ વેચી હતી અને તેની પાસેથી રૂ.1.25 લાખ વસૂલ્યા હતા, પારસને અમદાવાદનો દર્શન નામનો શખ્સ માર્કશીટ પહોંચાડતો હોવાનું ખુલ્યું હતું.