રાજકોટઃ રાજ્યમાં આગમી તા. 24મીને રવિવારે બીન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટમાં પણ ઘણાબધા કેન્દ્ર પર બીન સચિવાલય કલાર્કની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવશે. તમામ કેન્દ્ર પર પુરતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે. પરીક્ષા પહેલા પ્રશ્ન પત્ર લીક ન થાય તે માટેની પુરતી તકેદારી રાખવામાં આવશે. આ પરીક્ષામાં શહેરના કેન્દ્રો પર મોટાભાગે ભાવનગર સહિત અનેક જિલ્લાઓના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના ઉમેદવારોને અમદાવાદ સહિતના કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. એટલે ઉમેદવારોમાં વિરોધની લાગણી પણ જન્મી છે. દરમિયાન રાજકોટ એસટી તંત્ર દ્વારા તા.23-24ના બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપવા જતા યુવાનો માટે ૩૦ એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ બસ ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે આગામી રવિવારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા હોવાથી તા.23ના અમદાવાદ, ભાવનગર તરફ અને તા.24ના રાત્રે 12 થી પરીક્ષા પુર્ણ થયા બાદ સાંજે સાત કલાક સુધીમાં ભાવનગર, ઉના, મહુવા, તેમજ અમદાવાદ તરફના ઉમેદવારોને જવા માટે એકસ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રાજકોટ ડેપોની કુલ 30 એક્સ્ટ્રા બસ દોડાવાશે.આ એકસ્ટ્રા બસોમા ઓનલાઈન રિઝર્વેશન પણ કરી શકાશે. હાલ આ 30 માંથી 18 બસ બુક થઈ ગઈ છે તે સિવાય જરૂરીયાત અનુસાર જે તે દિશા માટે વધારાની બસો મુકવાની પણ તૈયારી છે. ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.