Site icon Revoi.in

રાજકોટ એસટી ડિવિઝનને જન્માષ્ટમીના તહેવારો ફળ્યા, 5 દિવસમાં 3 કરોડની વકરો થયો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીના તહેવારો ભારે હર્ષોલ્લાસથી ઊજવાયા છે. આ તહેવારો રાજકોટ એસટી ડિવિઝનને ફળ્યા છે. કારણ કે એસટી વિભાગે આવકનો નવો રેકોર્ડ સર્જ્યો છે. તહેવારો દરમિયાન તમામ રૂટની બસો હાઉસફૂલ રહેતા માત્ર 5 દિવસમાં રૂ. 3 કરોડથી વધુની આવક થઈ છે. જેમાં પણ શનિવારે એક જ દિવસમાં રૂપિયા 89 લાખની રેકોર્ડબ્રેક કમાણી નોંધાઈ હતી. આગામી દિવસોમાં પણ વિવિધ તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

રાજકોટ એસટી ડિવિઝનના નિયામક જે. બી. કલોતરાના કહેવા મુજબ  જન્માષ્ટમીનાં તહેવારોને લઈને રાજકોટ ડિવિઝનના તમામ ડેપો દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે તહેવારોમાં જુદા-જુદા રૂટ ઉપર કુલ 70 જેટલી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી. આ તમામ બસો પણ ફૂલ રહેતા રાજકોટ એસટી વિભાગે જન્માષ્ટમી તહેવારમાં રેકોર્ડબ્રેક કમાણી કરી છે. જેમાં તહેવારનાં 5 દિવસમાં સૌપ્રથમ વખત રૂપિયા 3 કરોડથી વધુની આવક થઈ છે. જેમાં પણ ગત શનિવારે 9 તારીખે એક જ દિવસમાં રૂ. 89 લાખની કમાણીનો નવો રેકોર્ડ સર્જાયો હતો.

રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ જન્માષ્ટમીના તહેવારોમાં ખાસ રાજકોટથી જામનગર, મોરબી, ભુજ, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ ઉપરાંત સુરત જવા આવવા માટે એસટી તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. એટલું જ નહીં સૌરાષ્ટ્રનાં મોટા યાત્રાધામ દ્વારકા અને સોમનાથ માટે ખાસ બસો મૂકવામાં આવી હતી. તેમજ રાજકોટથી અમદાવાદ જવા માટે સૌથી વધુ ટ્રાફિક રહેતો હોવાથી અમદાવાદ માટે પણ ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. ખાનગી બસો કરતા એસટીનાં ભાડા ખૂબ ઓછા અને સુવિધા પણ સારી હોવાને લઇ એસટી વિભાગે આવકનો રેકોર્ડ સર્જ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, થાનના તરણેતરના મેળામાં જવા માટે તારીખ 18 સપ્ટેમ્બરથી એકસ્ટ્રા બસો મૂકવામાં આવશે. આ ઉપરાંત શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભગવાન ભોળાનાથના દર્શને સોમનાથ જવા ઈચ્છુક ભાવિકોના લાભાર્થે પણ એકસ્ટ્રા બસો મૂકવામાં આવશે.