રાજકોટઃ દિવાળીના પર્વ અને ત્યારબાદ એસટી બસમાં પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ગિરનાર પરિક્રમામાં જતા પ્રવાસીઓ માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યુ હતું. જેમાં રાજકોટથી દરરોજ 20થી વધુ બસ દોડાવી હતી. રાજકોટ અને જૂનાગઢ વચ્ચે એસ.ટી બસ રાઉન્ડ ધી કલોક દોડાવવામાં આવી હતી. કોરોના મહામારી બાદ બે વર્ષ પછી શરૂ થયેલી લીલી પરિક્રમા કરવા માટે ગુજરાતભરમાંથી ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ઊમટ્યાં હતા. ભાવિકોનો ટ્રાફિક એટલો હતો કે જૂનાગઢ તરફની તમામ બસ હાઉસફુલ દોડી હતી, એક્સ્ટ્રા બસ મૂકવી પડી હતી. દર વર્ષની જેમ આ વર્ષ પણ રાજકોટ એસ.ટી ડિવિઝનને ગિરનાર લીલી પરિક્રમાના એક્સ્ટ્રા સંચાલનની 20 લાખથી વધુની આવક થઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગિરનારની લીલી પરિક્રમા 4 નવેમ્બરથી શરૂ થઇ હતી પરંતુ કેટલાક ભાવિકો તે પહેલાં જ ગિરનાર તળેટીમાં પહોંચી ગયા હતા. એસ.ટી તંત્રએ પણ 2થી 7 નવેમ્બર સુધી એક્સ્ટ્રા બસ દોડાવી હતી. એક સપ્તાહ દરમિયાન એસ.ટી તંત્રએ અંદાજિત 300થી વધુ ટ્રિપ દોડાવી યાત્રિકોને સરળ અને આરામદાયક સુવિધા પૂરી પાડી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.ટી નિગમ લીલી પરિક્રમા દરમિયાન એક્સ્ટ્રા બસ દોડાવીને વધારાની આવક મેળવી હતી. રાજકોટ એસ.ટી ડેપો ઉપરાંત ડિવિઝન હેઠળ આવતા ગોંડલ, ધ્રાંગધ્રા, મોરબી, જસદણ સહિતના ડેપોમાંથી વધારાની બસ મુકવામાં આવી હતી. રાજકોટ એસ.ટી બસપોર્ટ પરથી નિયમિત જૂનાગઢ રૂટ ઉપર દોડાવતી બસ ઉપરાંત એક્સ્ટ્રા બસ દોડાવવી પડી હતી. જેથી રાજકોટ એસટી ડિવિઝનને વધુ 20 લાખની આવક થઈ હતી. દિવાળીના પર્વ દરમિયાન પણ રાજકોટ ડિવિઝને સારીએવી આવક મેળવી હતી.