રાજકોટઃ 16 વર્ષ પહેલા લાંચ કેસમાં ઝડપાયેલા મનપાના કલાર્કને કોર્ટે 5 વર્ષની સજા ફટકારી
અમદાવાદઃ રાજકોટમાં 16 વર્ષ પહેલા લાંચ કેસમાં ઝડપાયેલા સોલીડ મેનેજમેન્ટ વિભાગના પૂર્વ કલાર્ક કોર્ટે સજા ફરમાવી છે. સાથી કર્મચારી પાસેથી લોન માટેના દસ્તાવેજમાં સહી કરવા માટે જે તે વખતે ક્લાર્ક ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રદાન ગઢવીએ રૂ. એક હજારની લાંચ માંગી હતી. આ કેસમાં કોર્ટે ચંદ્રકાંત ગઢવીને કસુરવાર ઠરાવીને પાંચ વર્ષની સજા ફરમાવી હતી. તેમજ રૂ. 40 હજારનો દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ 3ના કર્મચારી ચમન શિંગાળાએ તેના ઘરે રિનોવેશન માટે બેંક લોનની અરજી કરી હતી. બેંક સાથેના કરારમાં મનપાના કર્મચારીના પગારમાંથી હપ્તો કપાતો હોય છે. જે માટે ઉપરી અધિકારીની સહી કરવાની જરૂરિયાત હોય છે. ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રદાને સહી કરાવવા માટે રૂ. 1 હજારની લાંચ માંગી હતી અને રૂ. 1 હજાર આપવામાં આવે તો સહી સિક્કા કરી આપવાનું કહ્યું હતું. જે અંગે ચમનભાઈએ એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા.
આ કેસ ખાસ અદાલતના જજ બી. ડી. પટેલની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીના ખિસ્સામાંથી એક હજાર રૂપિયા મળ્યા છે અને તેના ખિસ્સામાંથી પાવડર પણ મળી આવ્યો છે, જે આરોપીએ લાંચ લીધી હોવાનું પુરવાર કરે છે. બીજી તરફ ચંદ્રકાંત ગઢવી તરફથી દલીલ કરવામાં આવી હતી કે, કેસમાં ખોડી રીતે ફસાવવામાં આવ્યાં છે. કોર્ટે સુનાવણીના આંતે સરકારી વકીલની રજૂઆતને ધ્યાનમાં રાખીને ચંદ્રકાંત ગઢવીને કસુરવાર ઠરાવ્યાં હતા.