- માધાપર ચોકડીથી બેડી તરફનો રસ્તો આજથી ખુલ્લો મૂકાયો
- હજારો વાહન ચાલકોને ફોગટનો ફેરો કરવામાંથી છુટકારો મળશે
- રાજકોટ કલેક્ટરનાં આદેશ બાદ ખુલ્લો મૂકાયો રસ્તો
રાજકોટ :રાજકોટ કલેક્ટરનાં આદેશ બાદ અંતે માધાપર ચોકડીથી મોરબી તરફનો રસ્તો આજથી ખુલ્લો મૂકી દેવાયો છે.જેને પગલે વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળી ગઈ છે.છેલ્લા ત્રણ વર્ષથી માધાપર ચોકડીથી બેડી તરફ જવાનો રસ્તો બંધ હતો અને વચ્ચે ડાઈવર્ઝન અપાયું હતું.જેથી લોકોને પોતાના વાહનો ફરી-ફરીને લઇ જવા પડતા હતા.ત્યારે આજે આ રસ્તાને ખુલ્લો મૂકી દેવાતા વાહનચાલકોએ નિરાંત અનુભવી છે.
માધાપર બ્રિજનાં બોકસ ગર્ડરનું કામ કરવાનું હોવાથી જિલ્લા માર્ગ મકાન, વિભાગનાં સતાવાળાઓએ છેલ્લા ત્રણ માસથી માધાપર ચોકડીથી બેડી તરફ જવાનો રસ્તો બંધ કરી દીધો હતો. આ અંગે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આપ અને કોંગ્રેસ દ્વારા પણ આ વહેલીતકે આ રસ્તો ખાલેવા અને બ્રિજનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું હોય જેથી કોન્ટ્રાકટર એજન્સીને દંડ કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.જે પ્રશ્ને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ તરત જ જિલ્લા માર્ગ મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનેરોને બોલાવી રસ્તો ખુલ્લો મુકવા આદેશ આપ્યો હતો.
હવે અંતે આજથી જ માધાપર ચોકડીથી મોરબી તરફ જવાનો રસ્તો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. જેને કારણે રોજ ત્યાંથી પસાર થતા હજારો વાહન ચાલકોને ફોગટનો ફેરો કરવામાંથી છુટકારો મળશે. તેમજ ટ્રાફિક સમસ્યામાં પણ મોટી રાહત મળશે.