Site icon Revoi.in

રાજકોટ: ધૂળેટી પર મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્‍લુ રાખવામાં આવશે

Social Share

રાજકોટ: મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે ધુળેટીના તહેવાર ઉપર અંદાજિત 10000 મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ધુળેટીના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને મુલાકાતીઓ ધુળેટીનાં દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.18 માર્ચના દિવસે એટલે કે શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્‍લુ રાખવામાં આવશે.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૫૯ પ્રજાતિઓનાં કુલ ૪૭૭ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.

આ ઉપરાંત મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતી મળી રહે અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઇન્ટરપ્રિટેશન સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ગેલેરીઓ જેવી કે; પ્રાણીસંગ્રહાલય ગેલેરી, ગીરની ઝાંખી, કચ્છની ઝાંખી, સસ્તન પ્રાણીઓની ગેલેરી, પક્ષી ગેલેરી, સરિસૃપ ગેલેરી વિગેરે બનાવી વન્યપ્રાણી-પક્ષીઓનાં લાઇફ સાઇઝ મોડેલ્સ, ઇન્ટરેક્ટીવ એક્ટીવીટી તથા વિવિધ માહિતી દર્શાવતી પેનલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે.