Site icon Revoi.in

રાજકોટ: લોકમેળાનો આજે છેલ્લો દિવસ, દૈનિક બે લાખથી વધારે લોકોએ લીધી મુલાકાત

Social Share

રાજકોટ: સાતમ આઠમના પર્વ પર વહીવટી તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ પાછલા બે વર્ષ દરમિયાન કોરોનની મહામારીને કારણે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. બે વર્ષ બાદ આ વર્ષે લોકમેળાનું આયોજન થતા લોકો મન મૂકીને મેળાની મજા માણી રહ્યા છે.

શરૂઆતના સમયે નક્કી થયા મુજબ 5 દિવસનો મેળો હતો,પરંતુ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી એક દિવસ વધારવા માટે નક્કી કરાયું છે ત્યારે આજે લોકમેળાનો છેલ્લો દિવસ છે માટે લોકો આજે પણ મેળાની મોજ મન મૂકીને માણી લેશે.

રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ યોજાતો લોકમેળો. હૈયે-હૈયું દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો મેળામાં મહાલે છે. નાનાં બાળકોથી માંડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસી માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે. જેમ શિયાળો એ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે, એમ પ્રત્‍યેક રાજકોટવાસી માટે મેળો એ આખા વર્ષની મસ્‍તી માણી લેવાનો અવસર છે.

રાજકોટના મેળાનો ઇતિહાસ જોઇએ તો 1983 સુધી શહેરભરની વિવિધ સંસ્‍થાઓ દ્વારા લોકમેળાનું શાસ્‍ત્રી મેદાનમાં ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવતું હતું. 1984માં રાજયસરકારના યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી શાસ્‍ત્રી મેદાન ખાતે જ લોકમેળો યોજવામાં આવ્‍યો. આ આયોજનનું 1985માં પણ પુનરાવર્તન કરાયું. ત્‍યાર બાદ, 1986થી સરકારી અધિકારીશ્રીઓની બનેલ વિવિધ સમિતિઓ દ્વારા આયોજનબદ્ધ રીતે લોકમેળો યોજાવાની શરૂઆત થઇ.