Site icon Revoi.in

રાજકોટઃ મોજશોખ પુરા કરવા માટે બોગસ ચલણી નોટો વટાવતાનો પ્રયાસ કરનારા બે વિદ્યાર્થી ઝબ્બે

Social Share

અમદાવાદઃ રાજકોટમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને પોલીસે રૂ. એક લાખની બોગસ નોટો સાથે ઝડપી લીધા હતા. નોટો વિસાવદરના એક સપ્લાયર પાસેથી લાવ્યાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે વિસાવદર સુધી તપાસ લંબાવી હતી. જો કે, સપ્લાયરે થોડા સમય પહેલા જ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હોવાનું ખૂલ્યું હતું. બંને વિદ્યાર્થીઓ મોજશોખ પુરા કરવા માટે બોગસ ચલણી નોટોના રેકેટમાં પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડ રોડ પરનાં પ્રેમ મંદિર પાસેથી પોલીસે કીશન દિનેશ પાંચાણી (ઉ.વ.21)ને રૂા. રૂ. 500નાં દરની 1 લાખ ની કિંમતની જાલીનોટો સાથે ઝડપી લીધો હતો. મૂળ વંથલીઓ કીશન રાજકોટમાં ભાડાના મકાનમાં રહીને અભ્યાસ કરતો હતો. તેની તપાસમાં આ નોટો બાયો ટેકનોલોજીનો અભ્યાસ કરતા આવેશ અનવર ભોરેએ આપ્યાનું ખૂલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે બંનેની આગવી ઢબે પૂછપરછ કરતા આ બોગસ નોટો વિસાવદર રહેતા હર્ષ ભાવેશ રેણુંકાએ સપ્લાય કરી હોવાનું ખૂલ્યું હતું. પરંતુ હર્ષે થોડા સમય પહેલા જ આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં રૂ. એક લાખની અન્ય બોગસ નોટો સુરત મોકલવામાં આવી હોવાનું પણ ખૂલ્યું હતું.

સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને બોગસ નોટોના રેકેટનો પર્દાફાશ કરવા તથા આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ આરંભી છે. બંને વિદ્યાર્થીઓ મોજશોખ પુરા કરવા માટે બોગસ ચલણી નોટોના રેકેટમાં આવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.