અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં નામચીન પેડલરની છાપ ધરાવતી મહિલાનેને તેના સાગરિત સાથે ઝડપી લેવામાં આવી હતી. તેની પાસેથી મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ જથ્થો મુંબઈથી આવ્યો હોવાનું ખૂલ્યું હતું. એસઓજીએ તાજેતરમાં જ એક શખ્સને મેફેડ્રોન સાથે ઝડપી લીધો હતો. જેમાં પણ મુંબઈનું કનેક્શન સામે આવ્યું હતું. જેથી હવે સમગ્ર પ્રકરણમાં મુંબઈ તરફ તપાસ લંબાવવાનો નિર્ણય પોલીસે લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી રોડ ઉપર પેટ્રોલીંગ કરતી પોલીસને જોઈને એક મહિલા સહિત બે શખ્સો ભાગ્યાં હતા. જેથી શંકાના આધારે તેમને કોર્ડન કરીને તપાસ કરતા તેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસ સમક્ષ પોતાનું નામ સુધા ધામેલીયા (ઉ.વ.34) તથા અનિરૂધ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલા (ઉ.૨૪) જણાવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને બંનેને ઝડપી લઈને પૂછપરછ આરંભી હતી. સુધા અને તેના સાગરિતે મુંબઈથી માદવ દ્રવ્ય લાવ્યાનું કબુલ્યું હતું. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુધા અને તેનો સાગરિત અનિરૂદ્ધસિંહ અગાઉ પણ અન્ય ગુનામાં ઝડપાયાનું ખૂલ્યું હતું.