રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનો સારોએવો ઉતારો થઈ રહ્યો છે. રાજકોટ સહિત તમામ યાર્ડમાં કપાસ,મગફળી સહિતના પાકની ધૂમ આવક થઈ રહી છે. લાભપાંચમ બાદ યાર્ડમાં નવી જણસીની આવક ધૂમ થઈ રહી છે. સૌથી વધુ આવક કપાસના પાકની થઈ રહી છે. આવકના પહેલે દિવસે કપાસનો ભાવ રૂ. 1732 બોલાયો હતો. કપાસની સતત માંગ ઊંચી રહેતા ભાવમાં વધારો થયો છે. શુક્રવારે કપાસના ભાવે રૂ. 1800ની સપાટી કુદાવી હતી અને ભાવ રૂ. 1810એ પહોંચ્યો હતો. જો કે હજુ આવક, ભાવ અને ડિમાન્ડ ત્રણેયમાં વધારો થશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. જોકે કપાસની ભાવમાં વધારો થતાં જીનર્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના યાર્ડમાં પ્રથમ દિવસે જ મગફળીની કુલ 30 લાખ કિલો આવક થઇ હતી. આ આવક થયા બાદ શુક્રવાર સુધી પડતર આવકનો નિકાલ નહિ થતા હજુ સુધી નવી આવક સ્વીકારવામાં આવી નથી. આ દિવસે મગફળીનો ભાવ રૂ. 1050 થી 1325 સુધી બોલાયો હતો. કપાસ, મગફળી ઉપરાંત સોયાબીનમાં પણ આવક હાલમાં નોંધપાત્ર થયો છે. અત્યારે યાર્ડમાં કુલ 37 જણસી ઠલવાઈ રહી છે. કપાસની આવક વધારે રહેવાને કારણે કપાસિયા તેલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2400એ પહોંચ્યો છે. કપાસના ભાવ વધતા ખેડુતોને રાહત થઈ છે. ગત વર્ષે કપાસના ભાવ સારા રહ્યા હતા તેથી આ વખતે ખેડુતોએ કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. અને સારા વરસાદને કારણે કપાસનું મબલખ ઉત્પાદન થયું છે.
શિયાળાના આગમનના પગલે લીલા શાકભાજીની આવક વધી રહી છે જેથી ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. શુક્રવારે જૂના યાર્ડમાં લીલા શાકભાજી વિભાગમાં સૌથી વધુ આવક ટમેટા 78,600 કિલોની થઇ હતી. આવક વધવાની સાથે જ ભાવમાં ઘટાડો આવ્યો છે. યાર્ડમાં એક કિલો ટમેટાનો ભાવ રૂ. 15 થી 20 બોલાયો હતો. જ્યારે અગાઉ તેનો ભાવ રૂ. 50 થી 60 હતો.