Site icon Revoi.in

રાજકોટ યાર્ડ કૃષિ જણસોથી ઊભરાયુઃ વરસાદી સીઝનમાં માલના ઢગલાં થતાં સત્તાધિશો બન્યા ચિંતિત

Social Share

રાજકોટઃ કોરોના સંક્રમણ તથા નિયંત્રણોમાં એક મહિના પછી ખુલેલા માર્કેટયાર્ડમાં વગર સીઝને માલના ઢગલા થઈ રહ્યા છે અને દિવસે દિવસે આવક વધતી હોવાથી વેપારીઓ પણ મોઢામાં આંગળા નાંખી ગયા છે. સામાન્ય રીતે ચોમાસા ટાણે ઓફ સીઝન શરુ થાય છે. તેના બદલે સીઝન જેવો માહોલ ઉભો થયો છે.

રાજકોટનું માર્કેટ યાર્ડ હાલ જણસોથી ઊભરાઈ ગયુ છે. માર્કેટ યાર્ડમાં રોજ રૂપિયા 11 થી 15 કરોડની કૃષિ જણસીઓનું વેચાણ થતુ હોવાના અંદાજ મુકવામાં આવી રહ્યો છે. માર્કેટયાર્ડના વેપારી સૂત્રોએ કહ્યું કે કોરોના મહામારીના સંક્રમણ અને તેમાં વખતોવખત બંધ થયેલા વેપારધંધાએ કૃષિ જણસીઓની આવકનું શિડયુલ ખોરવી નાખ્યુ છે. સામાન્ય રીતે અત્યારે શિયાળુ પાકનો મોટાભાગનો માલ બજારમાં વેચાઈ જતો હોય છે તેના બદલે પરિસ્થિતિ વિપરિત છે. શિયાળુ પાકમાં માર્ચથી વારાફરતી માલ આવવા લાગતો હોય છે.

ઘઉં, ચણા, તુવેર, લસણ, મરચા, ધાણા, જીરુ, રાયડો વગેરેની સપ્લાય વધે છે. એપ્રિલ-મેમાં એક-સવા મહિના સુધી યાર્ડ બંધ રહ્યું અથવા વેપાર પ્રભાવિત બન્યા હતા. સીઝન ટાણે જ આ ઘટનાક્રમથી ખેડુતોને ફરજિયાત માલ સાચવવો પડયો હતો. વેચાણ શકય બન્યુ ન હતું. બે અઠવાડીયાથી યાર્ડ ખુલતા નવી ખરીફ સીઝન પૂર્વે જુનો માલ વેચવા ખેડુતો ઉતાવળા થાય તે સ્વાભાવિક છે. માલની ચીકકાર આવક તથા કોવિડ નિયમોનું પાલન કરવું જરૂરી હોવાથી હજુ આવક માટે સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી નથી. અન્યથા વિશાળ બેડી યાર્ડની જગ્યા પણ ટુંકી પડી શકે તેમ છે. અત્યારે ઘઉં સહિતના અનાજથી માંડીને ચણા, મગ સહિતના કઠોળ તથા મરચા-ધાણા જેવા મસાલા અને મગફળી, એરંડા, રાયડા જેવા તેલીબીયામાં ચિકકાર આવક થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં શનિવારે 39 જણસીઓની હરરાજી, વેપાર થયા હતા તેમાં કપાસ, ઘઉં, ચણા, મગ, મગફળી, તલી, એરંડા, ધાણા, મેથી જેવી ચીજોની ધૂમ આવક હતી.

લસણ, જીરુ જેવી અનેકની આવક તો બંધ રાખવી પડી હતી. યાર્ડના સૂત્રોએ સ્વીકાર્યુ કે ચોમાસા ટાણે આવક-વેપાર ઘટતા હોય છે અને દૈનિક વેપાર પણ 10 કરોડની નીચે આવી જતા હોય છે તેના બદલે આ વર્ષે ચિત્ર વિપરીત છે. સતાવાળાઓ દ્વારા વરસાદની સંભાવનાને ધ્યાને રાખીને પણ કેટલાંક નિયંત્રણો લાગુ પડવા પડી રહ્યા છે. મગફળી, ચણા, ઘઉં સહિતની ચાર જેટલી જણસીઓની આવક માટે રજીસ્ટ્રેશન-ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. મજુરોની સમસ્યા હોવાને કારણે પણ વેપારને અસર થઈ રહી છે. અન્યથા વધુ આવક માટે વધુ છુટછાટ આપવાને અવકાશ છે. વેપારીઓએ એવો નિર્દેશ કર્યો છે કે ખેડૂતો પાસે શિયાળુ માલનો મોટો સ્ટોક પડયો છે. ચોમાસુ માથે છે. વાવણીલાયક વરસાદ થઈ ગયા બાદ ખેડુતો તેમાં પરોવાય જશે એટલે તે પૂર્વે જ માલ-સ્ટોકનો નિકાલ કરવાનો મૂડ છે. વરસાદમાં માલ બગડવાનું પણ જોખમ રહે છે. કારણ કે તમામ પાસે ગોદામ કે માલ સાચવવાની સગવડ નથી હોતી આ સંજોગોમાં ચોમાસા પૂર્વે જ માલ વેચવા ખેડૂતો ઉતાવળા થયા છે.