રાજકોટનો આજી અને ન્યારી ડેમ ઓવરફ્લો થતા પાણી છોડાયું, નદીના પટમાં ન જવા લોકોને સુચના
રાજકોટઃ શહેર અને જિલ્લામાં સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીની સારી આવર થઈ છે. જેમાં રાજકોટનો આજી અને ન્યારી ડેમ ઓવરફ્લો થતાં ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી લોકોને નદીના પટમાં ન જવાની સુચના આપવામાં આવી છે.
રાજકોટમાં શનિવારે મોડી રાત્રિના 3 વાગ્યાથી સવાર સુધી પડેલા અનરાધાર વરસાદના પગલે રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 19મી વખત ઓવરફ્લો થતા પાણીનું સંકટ દૂર થયું છે. આજીડેમ ઓવરફ્લો થતા અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. આ ડેમ 1954માં બનાવવામાં આવ્યો હતો. આથી 68 વર્ષમાં રવિવારે 19મી વખત ઓવરફ્લો થયો છે.
રાજકોટનો જીવાદોરી સમાન આજી અને ન્યારી બન્ને ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટ તાલુકા અને લોધીકા તાલુકાના ઉપરવાસના ગામડાઓમાં વરસાદ પડતા પાણી ડેમમાં આવ્યું હતું અને એક સાથે આજી અને ન્યારી બન્ને ડેમ ઓવરફ્લો થતા સમગ્ર રાજકોટ શહેર પરથી જળ સંકટ દૂર થયું છે. આજીડેમ ઓવરફ્લો થતા ડેમ હેઠળ આવતા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. લોકોને આજી નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે અને નીચાણ વાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. કારણ કે હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી છે. અને પાણીની આવક ચાલુ છે.
રાજકોટ શહેરમાં આ ચોમાસાની સીઝનનો કુલ વરસાદ 564.66 MMથી વધી ગયો છે. એટલે કે, રાજકોટમાં કુલ 22.23 ઇંચ વરસાદ વરસી ગયો છે. શહેરમાં સીઝનનો સેન્ટ્રલ ઝોનનો કુલ વરસાદ 641 MM (25 ઇંચ), ઇસ્ટ ઝોનનો કુલ વરસાદ 458 MM (18 ઇંચ) અને વેસ્ટ ઝોનનો કુલ વરસાદ 593 MM (24 ઇંચ) નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજીડેમનું લોકાર્પણ 1957માં કરવામાં આવ્યું હતું. આજી ડેમની કુલ જળ સપાટી 944 MCFT છે અને અત્યાર સુધીમાં 19મી વાર આજી ડેમ છલકાયો છે. ગતવર્ષે પણ આજી ડેમ ઓવરફ્લો થયો હતો. જ્યારે ચાલુ વર્ષે પણ આજે આજીડેમ છલોછલ થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.