રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે ધોધમાર વસાદ પડતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં રાજકોટનો ન્યારી-1 ડેમમાં 1 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 20 કરતાં વધુ ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ છે, જ્યારે આજી-2 ડેમ પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણપણે ભરાઈ જતાં 4 જેટલા દરવાજા ખોલી હેઠવાસનાં ગામો માટે એલર્ટ કરાયા છે.
રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવેએ જણાવ્યું હતું કે, તાજેતરમાં પડેલા વરસાદ દરમિયાન વૃક્ષો પડવા સિવાય ખાસ કોઈ મોટું નુકસાન થયું ન હોવાનું અને આ વરસાદને કારણે જમીનના તળ ઉપર આવતાં જળસંકટ હળવું થયુ છે. દરમિયાન રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-2 ડેમ તેની નિર્ધારિત સપાટીએ સંપૂર્ણ ભરાઈ ગયો હોવાથી ડેમના 4 દરવાજા 1.5 ફૂટે ખોલવામાં આવ્યા હતા, જે વધારીને 14 દરવાજા 1.5 ફૂટ આઠ કલાકે ખોલવામાં આવશે. ડેમમાં 2200 ક્યુસેકના પ્રવાહની આવક હોઈ, એમાંથી 2200 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવશે. આ જળાશયની સપાટી 73.76 મીટર છે અને હાલ 68 મીટર ભરાયેલો છે, જેથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજકોટ જિલ્લાના ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે, જેમાં સૌથી વધુ વેણુ-2 ડેમમાં 5.81 ફૂટ નવા પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય જિલ્લાના કુલ 20 કરતાં વધુ ડેમમાં સારા વરસાદને કારણે પાણીની નવી આવક થઈ છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદમાં મોજ ડેમમાં 260 મિ.મી.,વેણું-2 ડેમમાં 220 મિ.મી., સોડવદર ડેમમાં 140 મિ.મી., ફોફળ ડેમમાં 167 મિ.મી., છાપરવાડી-1 ડેમમાં અને ન્યારી-1 ડેમમાં 95 મિ.મી., વેરી ડેમમાં 90 મિ.મી, ન્યારી-૨ ડેમમાં 85 મિ.મી., ડોંડી ડેમ, આજી-1 ડેમમાં અને આજી-3 ડેમમાં 80 મિ.મી, વાછપરી ડેમમાં 75 મિ.મી, લાલપરી ડેમમાં અને સુરવો ડેમમાં 70 મિ.મી, ભાદર ડેમમાં 65 મિ.મી, ભાદર-૨ ડેમમાં 60 મિ.મી, ફાડદંગબેટી ડેમ અને કરમાળ ડેમમાં 45 મિ.મી, છાપરવાડી-2 ડેમમાં 48, ઈશ્વરિયા ડેમમાં 40 મિ.મી., ખોડાપીપર ડેમમાં અને આજી-2 ડેમમાં 55 મિ.મી, કર્ણુકી ડેમમાં 32 મિ.મી વરસાદ પડ્યો હોવાથી નવા નીરની આવક થઈ રહી છે.