Site icon Revoi.in

રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ કપાસ અને મગફળીની આવકથી છલકાયું, ટોકન સિસ્ટમ બંધ કરાતા રાહત

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની મબલખ આવત થઈ રહી છે. મગફળી અને કપાસની આવકથી યાર્ડ છલકાય રહ્યું છે. દિવાળીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ખેડુતો દિવાળીના પર્વને સારી રીતે ઊજવી શકે અને પોતાના પરિવાર માટે ખરીદી કરી શકે તે માટે ખેડુતો ખરીફ પાકને વેચવા માટે આવી રહ્યા છે.

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડ નવી મગફળી અને કપાસની આવકથી છલકાઇ ગયું હતું. મગફળી વેંચવા આવતા ખેડૂતોએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી ટોકન મળ્યા મુજબ આવવાની સિસ્ટમ બંધ કરી આજથી આવક ખુલી મુકતા નવી સિઝનમાં પ્રથમવાર મગફળીની 12,00,000 કિલોની આવક થઇ હતી. યારે કપાસમાં 3,00,000  કિલોની આવક થઇ હતી.

યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી પહેલા માલ વેંચી રોકડા કરવા ખેડૂતો ઉતાવળા બન્યા છે. નોરતા સુધી વાદળછાંયું વાતાવરણ અને વરસાદની આગાહીના પગલે મગફળી વેંચવા આવતા ખેડૂતો માટે એડવાન્સ ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ટોકન સિસ્ટમ ફરજિયાત બનાવાઇ હતી પરંતુ હવે વરસાદની કોઈ આગાહી ન હોય આવક ખુલી મુકાતા ખેડૂતો ઉમટી પડ્યા હતા. આજે મગફળીમાં 12,00,000 કિલોની આવક સામે પ્રતિ 20 કિલોનો ઉંચો ભાવ .1300થી .1370 સુધી યથાવત રહ્યો હતો. જ્યારે કપાસમાં 3,00,000 કિલોની આવક સામે પ્રતિ 20 કિલોનો ભાવ  1750 સુધી રહ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સૂરજમુખીના બીની નવી આવક શરૂ થઇ હતી જેમાં ટોપ કવોલિટીમાં પ્રતિ 20 કિલોનો ભાવ 1055 સુધી રહ્યો હતો. નવી સિઝનમાં આજે પ્રથમવાર 90 બેગની આવક થઇ હતી. હાલ સનફલાવર ઓઇલ ખાવાનું પ્રમાણ વધ્યું હોય તેના કારણે વાવેતર પણ વધ્યું છે. આગામી દિવસોમાં આવક હજુ વધશે તેવો નિર્દેશ છે. ઉપરાંત  નવા જુવારની આવક પણ શરૂ થઇ છે. જુવારમાં 120 કટાની આવક સામે ટોપ કવોલિટીની જુવારમાં પ્રતિ 20 કિલોનો ભાવ 700 થી 715 સુધી ઉપજ્યો હતો. હાલમાં બિયારણ માટે પણ જુવારની ખરીદી ચાલુ હોય તેવા કારણે પણ ભાવ ઉંચા ગયાનું અનુમાન છે.