રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી કરીકે વિજય રૂપાણી હતા, ત્યારે તેમના હોમ ટાઉન ગણાતા રાજકોટનો ભારે દબદબો હતો એટલે કે, રાજકિય વર્ચસ્વ એટલું બધુ હતું કે કોઈપણ પ્રશ્નનો ઉકેલ ત્વરિત આવી જતો હતો. હવે રૂપાણીની સીએમ તરીકે વિદાય બાદ ભાજપમાં રાજકોટ નેતાગીરી નબળી પડી હોવાનું કહેવાય છે. રાજકોટમાં પાણીનો પ્રશ્ન સૌથી મહત્વનો છે. રૂપાણીના સમયમાં તો રાજકોટને માગ્યા પહેલા જ નર્મદાનું પાણી મળી જતું હતું. હવે નર્મદાનું પાણી મેળવવા આજીજી કરવી પડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં પાણીની સમસ્યા તો વર્ષો પહેલાની છે. દર વર્ષે પાણીની રામાયણ સર્જાતી હોય હતી. ભાજપ સરકારે સૌની યોજના અમલમાં મુકીને શહેરના આજી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવતા પાણીની સમસ્યા દુર થઈ ગઈ હતી.ઉનાળામાં રાજકોટમાં પીવાના પાણીની તંગી સર્જાઈ ત્યારે અગાઉની સરકારમાં મનપાના સત્તાધીશો માગે ત્યારે પાણી મળી જતું હતું વધુમાં વધુ 10 દિવસમાં પાણી આપવાનો અને કેટલું આપવું તે અંગે તમામ વહિવટી પ્રક્રિયા પૂરી થઈ જતી. જો કે, સમય બદલાયો છે. તેની સાથે સાથે અધિકારીઓના નિર્ણય પણ બદલાવા લાગ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અરોરાએ ઉનાળાના દિવસોમાં 1450 એમસીએફટી પાણીની માગ કરી તેને આજે 15 દિવસનો સમયગાળો પૂરો થઈ ગયો છે આમ છતાં સિંચાઈ વિભાગને ડિમાન્ડનો પત્ર પણ મળ્યો નથી. ત્યારે રાજકોટને ખરા સમયે નર્મદાનીર મળશે કે કેમ તે અંગે ચર્ચા છે. આ અંગે શહેર ભાજપની નેતાગીરીએ પણ રજુઆત કરી છે.
અગાઉની સરકારમાં રાજકોટને સૌની યોજનાના પાણીની જરૂરિયાત હતી ત્યારે મનપા તંત્ર દ્વારા પત્ર લખવામાં આવતો કે તુરંત જ પાણી આપવામાં આવતું હતું. પાણી મેળવવા માટે પત્ર લખ્યા બાદ, સરકાર દ્વારા રાજકોટ સિંચાઈ વિભાગને ડિમાન્ડ અંગે જાણ કરવામાં આવતી હોય છે. જે સમગ્ર પ્રક્રિયા એક કે બે જ દિવસમાં પૂર્ણ થતી અને 15 દિવસમાં તો રાજકોટને પાણી મળી જતું હતું. મનપા કમિશનર અમિત અરોરા દ્વારા સૌની યોજનાનું પાણી મેળવવા માટે સરકારને પત્ર લખવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સરકારને તા.10 જાન્યુઆરી 2022ના રોજ પત્ર લખવામાં આવ્યો છે, જેને 15 દિવસ વીતી ચૂક્યા હોવા છતાં સિંચાઈ વિભાગને ડિમાન્ડ અંગે હજુ સુધી કોઈ જ જાણ નથી.