Site icon Revoi.in

રાજકોટની LCB પોલીસની ટીમને સુરત નજીક નડ્યો અકસ્માત, પોલીસ કર્મીનું મોત

Social Share

સુરતઃ શહેરના હજીરા પાસેથી પેરોલ જમ્પના એક આરોપીને પકડીને રાજકોટ એલસીબી પોલીસ ક્રેટાકારમાં સુરતથી રાજકોટ જઈ રહી હતી. ત્યારે સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામ પાસે એલસીબી ટીમની ક્રેટાકારને અકસ્માત નડ્યો હતો, જેમાં આઇસર ટેમ્પોએ પાછળથી ટક્કર મારતાં કાર આગળ જઈ રહેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં રાજકોટ રૂરલ LCBના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નીપજ્યું હતુ, જ્યારે અન્ય ઈજાગ્રસ્તો પોલીસ કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ હાઈવે પરના નાના બોરસરા ગામ પાસે સર્જાયો હતો. વહેલી સવારે રાજકોટ એલસીબીની ટીમ સુરતના હજીરા ખાતેથી બ્લેક ક્રેટા કારમાં પેરોલ જમ્પ આરોપીને લઇને ચાર એલસીબી પોલીસ જવાનો જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં નાના બોરસરા ગામ પાસે પાછળથી પૂરઝડપે આવી રહેલા આઇસર ટેમ્પો ચાલકે ક્રેટાને ટક્કર મારી હતી. જેને લઇને કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેને લઇને કાર પડીકું વળી ગઇ હતી. કારમાં સવાર ચાર પોલીસકર્મી અને એક આરોપી દબાઈ ગયા હતા.

આ અકસ્માતને  પગલે સ્થળ પર દોડી ગયેલા સ્થાનિક લોકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. જોકે ગંભીર ઈજાઓના કારણે દિગ્વિજયસિંહ રાઠોડ નામના પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય ઇજાગ્રસ્તોને ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જયાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં પોલીસકર્મીનું મોત થતાં પોલીસ બેડામાં શોક પ્રસરી ગયો છે. રાજકોટ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.