રાજકોટઃ શહેરમાં સાતમ-આઠમના પાંચ દિવસના લોક મેળાની ધૂમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રંગીલા રાજકોટનો આ સૌથી મોટો મેળો ગણાય છે. જિલ્લા કલેક્ટર સમક્ષ લોકમેળાના નામકરણ અંગે 700 જેટલી અરજીઓ આવી છે. સપ્તાહમાં આ અંગે નિર્ણય લેવાશે. તેમજ લોકમેળામાં યાત્રિક રાઈડ્સના ટિકિટના ભાવ વધારવા તેના સંચાલકોએ માગણી કરી છે. લોકો પર આર્થિક ભારણ ન આવે તે રીતે નિર્ણય લેવાશે. અને રાઈડ્સના સંચાલકોને પણ પોસાય એ રીતે નિર્ણય કરવાની હૈયાધારણ આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં સાતમ-આઠમના સાંસ્કૃતિક લોકમેળામાં યાંત્રિક રાઈડની હરાજીમાં તંત્ર અને રાઈડ સંચાલકો વચ્ચે વાટાઘાટો નિષ્ફળ રહેતા ત્રીજા દિવસે કોકડું ગૂંચવાયેલું રહ્યુ હતુ. અને હવે મામલો જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યો છે. આ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ મેળાની યાંત્રિક રાઈડ્સના સંચાલકોએ ટીકીટનો વધારો માંગ્યો છે. જે રૂા.20 અને 30ની ટીકીટના રૂપિયા 50-60 કરવાની માગ છે, પરંતુ આ વધારો કોઈપણ સંજોગોમાં આપી શકાય તેમ નથી જોકે આ મુદ્દે લોકો પર આર્થિક ભારણ ન આવે તે રીતને નિર્ણય લેવામાં આવશે. તેમજ લોકમેળાના નામકરણ માટે 700થી વધુ અરજીઓ લોકમેળા સમિતિ પાસે આવી છે. તેથી આવતા સપ્તાહે લોકમેળાનું નામકરણ કરી દેવાશે. વહીવટી તંત્ર દ્વારા આગામી તા.17 ઓગષ્ટથી પાંચ દિવસ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં આ વખતે મુખ્ય સ્ટેજ ઉપરાંત ‘પબ્લીક પફોર્મન્સ’ સ્ટેજ પણ રાખવામાં આવશે તેમ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યુ હતું કે આ પબ્લીક પફોર્મન્સ સ્ટેજ ઉપરથી લોકોને પોતાની કલા રજુ કરવાની તક મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકમેળા દરમિયાન મુખ્ય સ્ટેજ ઉપરથી દરરોજ રાત્રીના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવે છે ભાતીગળ લોકમેળાને મહાલવા આવતા લોકો પોતાની કલા આ લોકમેળાના મુખ્ય સ્ટેજ ઉપરથી રજુ કરી શકતા નથી. આ સંજોગોમાં આ વખતે લોકો પોતાનામાં રહેલા હાસ્યરસ, મિમિક્રી જેવા કળાઓ મેળામાં રજુ કરી શકે તે માટે આ વખતે સૌ પ્રથમવાર અલગથી પફોર્મન્સ સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત લોકમેળામાં આ વખતે બાળકો માટે ટોયવાન રખાશે. તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીઆરડીએલ ઉદ્યોગ માટે ઈન્ડેક્ષ-બી સહિતના સ્ટોલો રહેશે. જેના પરથી લોકોને જરૂરી જાણકારી મળી રહેશે. આ સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં સામાજિક સંસ્થાઓ માટે 26 જેટલા સ્ટોલો ઊભા કરાશે. પરંતુ સામાજીક સંસ્થા સ્ટોલો મેળવવામાં નિરસ રહી છે. માત્ર છ જેટલી સંસ્થાઓને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.આ ઉપરાંત કલેકટરે વેક્સિનના બે ડોઝ લઇને, માસ્ક સાથે મેળામાં આવવા લોકોને અપીલ કરી હતી