Site icon Revoi.in

રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગમાં તેજીના અણસાર, નિકાસમાં 20 ટકાનો વધારો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર અને તેની આજુબાજુનો વિસ્તારમાં મશીનરી ઉદ્યોગનો સારોએવો વિકાસ થયો છે. અને તેના થકી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. હવે રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગના ઉજળા દિવસો જોવા મળી રહ્યા છે.  નિકાસ બજારમાં ચીનને ટક્કર આપવાનું રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગે શરૂ કર્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં વિકસેલા મશીન ટૂલ્સ ઉદ્યોગની નિકાસમાં છેલ્લાં એક બે વર્ષમાં 15થી 20 ટકાનો વધારો થતા રૂા. 1500 કરોડ સુધી પહોંચી ચૂકી છે. આફ્રિકા, નેપાળ અને અખાતી દેશોમાં સૌરાષ્ટ્રમાંથી નિકાસ થતી હતી પરંતુ હવે યુરોપ અને અમેરિકામાં પણ છેલ્લા ત્રણ વર્ષથી માગ શરૂ થઈ છે. અને નિકાસ 1500 કરોડની વટાવી જશે. વિદેશમાંથી મોટા પ્રમાણમાં ઈન્કવાયરીઓ મળી રહ્યા છે.

રાજકોટ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રભરના મશીન ટૂલ્સનાં એકમો આશરે રૂા. 5000 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે. એમાં નિકાસનો હિસ્સો આશરે રૂા. 1200 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે. અને આગામી દિસોમાં નિકાસ 1500 કરોડને વટાવી જશે. કારણ કે, અમેરિકા અને યુરોપમાં પણ નિકાસ શરૂ થઈ છે એ ઉદ્યોગની સફળતાનો સંકેત છે. નિકાસમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. કોરોના પછી ચીનની વસ્તુઓ ખરીદવાનો ઘટતો ટ્રેન્ડ મશીન ટૂલ્સની નિકાસ વધવા પાછળ મહત્ત્વનું કારણ માનવામાં છે. એ ઉપરાંત ભારતમાંથી નિકાસની પ્રક્રિયા અગાઉ કરતા સરળ થઈ ચૂકી છે અને હવે મેક ઇન ઇન્ડિયાની ઝુંબેશને લીધે પણ ભારતની ચીજોમાં આયાતકારોને રસ પડયો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કાચા માલના ભાવ દરેક ઉત્પાદક દેશોમાં સમાન જેવા હોય છે છતાં આપણે ત્યાં બનતી પ્રોડક્ટ્સમાં વપરાતાં અન્ય સાધનો સસ્તા હોવાને લીધે આયાતકારોને ફાયદો થાય છે. મશીન ટૂલ્સનાં ઉત્પાદનમાં બેંગલોર પછી રાજકોટનો ક્રમ આવે છે, મશીન ટૂલ્સ માટે રાજકોટ અવ્વલ છે. પંજાબના લુધિયાણામાં પણ મશીન ટૂલ્સ બને છે પણ તેને હવે રાજકોટ ઓવરટેક કરતું જાય છે. રાજકોટમાં હવે ઓટોમેશન અને રોબોટિક ટેકનૉલૉજી આધારિત મશીન ટૂલ્સ પણ બનવા લાગ્યા છે. ગયાં વર્ષે સૌરાષ્ટ્રનાં મશીન ટૂલ્સ ઉદ્યોગે રૂા. 5 હજાર કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. તેમાં આ વખતે 10 ટકા વધારો થવાનો અંદાજ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના ઉદ્યાગકારોની કોઠાસુઝને લીધે મશીનરી ઉદ્યોગના વિકાસને સારોએવો વેગ મળ્યો છે. હવે તો સંરક્ષણના સાધનો બનાવવા માટે પણ રાજકોટની પસંદગી થઈ રહી છે.