રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર ગણાતા રાજકોટના એરપોર્ટ પર પ્રવાસીઓનો સારોએવો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજીબાજુ શહેરની ભાગોળે નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના હિરાસર એરપોર્ટને તૈયાર થવામાં ‘તારીખ પે તારીખ’ પડી રહ્યાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. નવા એરપોર્ટને કોઈપણ ભોગે ઑગસ્ટ અથવા વધુમાં વધુ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર કરી લેવા માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું આમ છતાં તેમાં સફળતા સાંપડી રહી ન હોય તેવી રીતે હવે નવા એરપોર્ટનું ઉદ્ઘાટન છેક ડિસેમ્બરમાં થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવતાં વધુ એક તારીખ પડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના સીમાડે તૈયાર થઈ રહેલા હીરાસર એરપોર્ટની કામગીરી કેવી રીતે ચાલી રહી છે અને ક્યાં ઢીલાશ આવી રહી છે તે જાણવા ઉપરાંત એડમિનિસ્ટ્રેશન, ઓપરેશન્સ સહિતની કામગીરી સંભાળવા માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ) દ્વારા 40થી 45 જેટલા અધિકારીઓને નિમણૂક આપી દેવામાં આવી છે, જેઓ જૂના એરપોર્ટ પર બેસીને કામગીરી કરી રહ્યા છે. થોડા સમય પહેલાં જ્યારે એએઆઈના ચેરમેન રાજકોટ આવ્યા ત્યારે એવો નિર્ણય લેવાયો હતો કે ઑગસ્ટના અંત સુધીમાં હીરાસર એરપોર્ટનું સંચાલન શરૂ કરી દેવામાં આવશે. જો કે જે રીતે અત્યંત ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે તેને જોતાં ઑગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબર કે નવેમ્બર તો શું પરંતુ ડિસેમ્બરના અંત સુધીમાં એરપોર્ટ શરૂ થાય તેવી આશા અત્યારે રાખી શકાય તેમ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, હીરાસર એરપોર્ટના રન-વેનું 85 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ બોક્સ કલ્વર્ટ, કમ્પાઉન્ડ વોલ સહિતની અત્યંત મહત્ત્વની કામગીરી અત્યંત ધીમી ચાલી રહી હોવાથી દોઢ મહિનાની અંદર તે પૂર્ણ થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના પહેલાં નવા એરપોર્ટનું ઉદ્ઘાટન થઈ જાય તે માટે રાજ્ય સરકાર પણ પૂરતા પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત નવા એરપોર્ટના નિર્માણ કાર્ય ઉપર ખુદ કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે આમ છતાં ‘ડેડલાઈન’ ચૂકી જનારા હોવાથી બન્ને સરકારો પણ કામગીરીથી નારાજ થશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઉપરાંત રાજ્ય સરકાર માટે પણ ચૂંટણીમાં મહત્ત્વનો મુદ્દો સાબિત થઈ શકે તેમ છે. જો ચૂંટણી પહેલાં હીરાસર એરપોર્ટ તૈયાર થાય તો જ મતો અંકે કરવામાં સરકારને મદદ મળી શકે તેમ છે. દરમિયાન તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના દિગ્ગજોએ પણ નવા એરપોર્ટની મુલાકાત લીધી હતી ત્યારે તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રન-વેનું કામ 90 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત બોક્સ કલ્વર્ટ, કમ્પાઉન્ડ વોલ સહિતની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી હોવાથી નવા એરપોર્ટનું સંચાલન ઑગસ્ટ મહિનાના અંત અથવા સપ્ટેમ્બર મહિનાના પ્રારંભે શરૂ થઈ જશે. જો કે આ વાયદો નક્કામો નિવડી રહ્યો હોય તેવી રીતે એરપોર્ટનું સંચાલન હવે ત્રણ મહિના પાછું ઠેલાયું છે અને હવે તો ડિસેમ્બરમાં પણ કામ પૂર્ણ થાય તો સારું તેવું એરપોર્ટ બને તેની રાહ જોઈને બેઠેલા લોકો કહી રહ્યા છે.