રાજકોટઃ શહેરમાં દિવાળીનાં તહેવારો દરમિયાન શહેરના ફરવા લાયક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં સૌથી વધુ 58 હજાર લોકોએ શહેરના પ્રદ્યુમનપાર્ક ઝૂ ખાતે મુલાકાત લીધી હતી. જ્યારે 13 હજારથી વધુ લોકોએ રામવનની મુલાકાત લીધી હતી. જેમાં મ્યુનિ. કોર્પોરેશનને અનુક્રમે રૂ. 14 લાખ અને રૂ. 2 લાખ મળી કુલ રૂ. 16 લાખથી વધુની આવક થઈ છે. તેમ રાજકોટના મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં સાતમ-આઠમના તહેવારો હોય કે દિવાળીના તહેવારો, શહેરના લોકો મનભરીનો મોજ માણતા હોય છે. દિવાળીના તહેવારો દરમિયાન પ્રદ્યુમન પાર્ક, રામવન સહિતના ફરવા લાયક સ્થળો ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરના લોકોએ મોટી સંખ્યામાં તેનો લાભ લીધો હતો. જેમાં સૌથી વધુ 58 હજાર લોકોએ પ્રદ્યુમનપાર્ક ઝૂ ખાતે મુલાકાત લેતા મ્યુનિ.ને રૂ. 14 લાખ અને રામવનની તેર હજાર જેટલા લોકોએ મુલાકાત લેતા રૂપિયા 2 લાખની આવક મ્યુનિને થઈ હતી. ઉપરાંત ગાંધી મ્યુઝિયમ ખાતે પણ અંદાજે 1 હજાર જેટલા લોકોએ મુલાકાત લેતા 19,925 રૂપિયાની આવક થઈ હતી.
પ્રદ્યુમન પાર્ક ઝૂના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પ્રખ્યાત પ્રદ્યુમનપાર્ક ઝૂમાં જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 560 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વગેરેને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી વન્યપ્રાણી-૫ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ઝૂ ખાતે એક મહિના પહેલા જન્મેલા 2 સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ ઉપરાંત રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત ધ અર્બન ફોરેસ્ટ-રામવન કે જેમાં ભગવાન રામનાં જીવન દરમિયાન બનેલા વિવિધ પ્રસંગો ખાસ સ્કલ્પ્ચર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. તે પણ દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. જેમાં તા.14 નવેમ્બરથી 16 નવેમ્બર દરમિયાન 13,100 લોકોએ રામવન ધ અર્બન ફોરેસ્ટની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણ્યો હતો. (file photo)