Site icon Revoi.in

પાકિસ્તાનના નવા PMને અભિનંદનની સાથે આતંકવાદ મુદ્દે રાજનાથસિંહએ આપ્યો સંદેશ

Social Share

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે સંદેશ પણ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ તેમના પાડોશી દેશ (પાકિસ્તાન)ના નવા વડા પ્રધાન (શાહબાઝ શરીફ)ને એક જ સંદેશ મોકલવા માંગે છે કે તેઓ તેમના દેશમાં આતંકવાદને કાબૂમાં લેવામાં સફળ થાય. રાજનાથ સિંહ 2+2 મંત્રણા માટે અમેરિકાની મુલાકાતે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું કે મિયાં મુહમ્મદ શહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. ભારત આતંકવાદથી મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી આપણે આપણા વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ.

શાહબાઝ શરીફ વડાપ્રધાન પદ સંભાળતાની સાથે જ કાશ્મીરનો રાગ આલાપવા લાગ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશો આપતાં કહ્યું છે કે, કાશ્મીર સમસ્યાનો ઉકેલ કાશ્મીરી લોકોની ઈચ્છા પ્રમાણે થવો જોઈએ. શહેબાઝ શરીફે કહ્યું કે અમે ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી તે શક્ય નથી.

શાહબાઝ શરીફે કહ્યું કે, અમે કાશ્મીરી લોકોને તેમની દુર્દશા પર છોડી શકતા નથી. રાજદ્વારી રીતે અમે કાશ્મીરી લોકોને અમારું સમર્થન ચાલુ રાખીશું. શાહબાઝ શરીફે કહ્યું કે કાશ્મીરમાં ગરીબી ખતમ થવી જોઈએ. શાહબાઝ શરીફ દ્વારા કલમ 370ને લઈને નિવેદન પણ આપવામાં આવ્યું હતું. તેમણે ભારત પર કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ પાકિસ્તાનની અગાઉની સરકાર પર નિશાન સાધ્યું હતું. શાહબાઝ શરીફે કહ્યું કે જ્યારે કલમ 370 હટાવવામાં આવી ત્યારે અગાઉની સરકાર કોઈ પગલાં લઈ શકી ન હતી.